• એક્સક્લુસીવ
  • બાર્ની ચૌધરી

ઇમિગ્રેશનના આંકડામાં ઘટાડો કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વિઝા નિયંત્રણો લાદવાનો સરકારનો નિર્ણય “વિશ્વવિરોધી” અને “આર્થિક નિરક્ષરતા” સમાન છે તથા આ પગલું યુકેની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરશે એમ ક્રોસબેંચ પીઅર અને બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું છે.

નવા નિયનો અંતર્ગત જાન્યુઆરીથી, હોમ ઑફિસે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ કરતી વખતે તેમના પરિવારને પોતાની સાથે લાવવા સામે મનાઇ ફરમાવી છે.

આ પ્રતિબંધની ઘોષણા વખતે વડા પ્રધાન, ઋષિ સુનકે કેબિનેટને કહ્યું હતું કે ‘’આ પ્રતિબંધ માઇગ્રેશનના આંકડાઓમાં નોંધપાત્ર તફાવત લાવશે.

કોબ્રા બિયર્સના પ્રમુખ અને સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “આ પ્રતિબંધ ખૂબ જ ચિંતાજનક છે અને તે પ્રમાણિકપણે, ઇમિગ્રેશન વિરોધી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિરોધી અને યુનિવર્સિટીઓ વિરોધી છે. આ મૂર્ખાઈ છે, તે આર્થિક નિરક્ષરતા છે. યુનિવર્સિટીઓ આપણી અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે જે આપણી ઉત્પાદકતા માટે ખૂબ જ અગત્યની છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેના અર્થતંત્રમાં £42 બિલિયનનું યોગદાન આપે છે. તે દેશના ડીફેન્સ બજેટ જેટલી રકમ છે. મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસે જબરદસ્ત સોફ્ટ પાવર છે. તેઓ યુકે માટે વિશાળ રાજદૂત છે.’’

લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે “મારા કિસ્સામાં, હું યુકેમાં શિક્ષિત થનારી ત્રીજી પેઢીનો છું. વિશ્વના 25 ટકા નેતાઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં, અન્ય 25 ટકાએ યુએસ યુનિવર્સિટીઓમાં અને બાકીનાએ વિશ્વના અન્ય 50 ટકા દેશોમાં શિક્ષણ મેળવ્યું છે. તેઓ આપણા ઘરેલું વિદ્યાર્થીઓના અનુભવને સમૃદ્ધ બનાવે છે.”

UK કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સ (UKCISA)ના પ્રમુખ તરીકે પણ સેવા આપતા લોર્ડ કરણ બિલિમોરિયાએ કહ્યું હતું કે ‘’આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિના ઘણા અભ્યાસક્રમો બંધ કરવાની ફરજ પડશે. કારણ કે આપણી પાસે તે સ્થાનો ભરવા માટે પૂરતા લોકો નથી. કલ્પના કરો કે આપણે ભંડોળના અભાવે શું કરીશું. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી યુનિવર્સિટીઓ તેમજ ઘણા અભ્યાસક્રમોના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આપણા સ્થાનિક વિદ્યાર્થીઓના સ્થાનો છીનવી લે છે તે વાત ખોટી છે. આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 15 ટકા છે. જ્યારે પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકાથી વધુ છે.’’

લોર્ડ બિલીમોરીયાએ કહ્યું હતું કે  “હાલ સ્થાનિક વિદ્યાર્થીઓની ફી £9,250 મર્યાદિત છે, જે વાસ્તવિક દ્રષ્ટિએ ફુગાવાને જોતાં, આજે લગભગ £6000 પાઉન્ડની કહેવાય. પણ સામે યુનિવર્સિટીઓનો ખર્ચ વધી રહ્યો છે. હું સંસદમાં સરકારને કહી રહ્યો છું કે કૃપા કરીને જ્યારે તમે ચોખ્ખા સ્થળાંતરના આંકડાઓ રજૂ કરો છો, ત્યારે તેમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને બાકાત રાખો અને તેમની સાથે કામચલાઉ સ્થળાંતર તરીકે વ્યવહાર કરો. યુએનની વ્યાખ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જો એક વર્ષ માટે રહે તો  તેને ઇમિગ્રન્ટ તરીકે ગણવો જોઇએ. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને બાકાત રાખે છે. જો યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને બાકાત રખાય તો નેટ ઇમીગ્રેશનનો આંકડો 700,000 છે. પણ તેઓ સાંભળતા નથી અને તેઓ લોકોને ડરાવવાનું ચાલુ રાખે છે.’’

સરકારી આંકડાઓ અનુસાર 31 માર્ચ 2023ના અંતે સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લગભગ 480,000 વિઝા આપ્યા હતા જે અગાઉના 12 મહિનાની સરખામણીએ 22 ટકાનો વધારો દર્શાવે છે. જેમાં લગભગ 30 ટકા સાથે ભારત ટોચ પર છે અને 18 ટકા યુરોપિયન યુનિયનમાંથી છે.

આ સમયગાળા દરમિયાન, હોમ ઑફિસે 640,000થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના આશ્રિતોને વિઝા એક્સ્ટેંશન આપ્યા હતા. તેમાંથી, કુટુંબના સભ્યોને માત્ર 134,000 વિઝા જારી કરાયા હતા અને માર્ચ 2022થી તે સંખ્યા માત્ર ચાર ટકા હતી. તો 39 ટકા લોકો ભારત, પાકિસ્તાન અને નાઈજીરિયાના છે.

સરકારે કુલ 387,000 વિદ્યાર્થીઓએ કામ કરવાની મંજૂરી આપી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 75 ટકા વધારે છે. અન્ડર અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પુરૂ થયા બાદ વધુ બે વર્ષ રહેવા અને કામ કરી શકે છે.

હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિકલ એજન્સી (HESA)ના જણાવ્યા અનુસાર, શૈક્ષણિક વર્ષ 2021-22માં, સરકારે 307,000 નોન-યુકે અંડરગ્રેજ્યુએટ્સને અહીં અભ્યાસ કરવાની મંજૂરી આપી હતી.

જાન્યુઆરીમાં, ધ ટાઈમ્સે આરોપ મૂક્યો હતો  કે ‘’રસેલ ગ્રુપ યુનિવર્સિટીઓ માટે યુકેના વિદ્યાર્થીઓના સ્થાનો વિદેશના વિદ્યાર્થીઓને લેવાઈ રહ્યા છે. યુકે કરતા ઘણા ઓછા ગ્રેડ પર વિદેશી વિદ્યાર્થીઓની ભરતી કરવા માટે વચેટિયાઓને દલાલી ચૂકવાય છે.’’

60,000થી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ધરાવતું રસેલ ગ્રુપ કહે છે કે અમે આ સમસ્યાનો સામનો કરવા માટે પગલાં લીધાં છે. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે સંખ્યાબંધ એજન્ટ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરીએ છીએ અને આમુકને રદ કરાયા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમારા યુનિવર્સિટી સમુદાયોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે બધા માટે શિક્ષણના વાતાવરણને સમૃદ્ધ બનાવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી મળેલી ફીની આવકનું પુનઃરોકાણ તમામ વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને સંશોધનમાં કરવામાં આવે છે.”

ગરવી ગુજરાતે ટિપ્પણી માટે રસેલ ગ્રુપનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા.

યુકે સરકારે કહ્યું છે કે ‘’યુનિવર્સિટીઓ યુકેના વિદ્યાર્થીઓ કરતાં વિદેશના વિદ્યાર્થીઓને ‘બે અલગ સ્ટ્રીમ્સ’માં સ્થાનો આપવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપે છે તે બકવાસ છે.’’  તેની સામે શિક્ષણ વિભાગના ઑગસ્ટ 2022ના બ્લૉગપોસ્ટમાં કહ્યું હતું કે, ‘યુનિવર્સિટીઓ યુકે અને વિદેશના વિદ્યાર્થીઓને અલગ-અલગ સ્ટ્રીમમાં સ્થાનો ફાળવે છે.’’

23 માર્ચના ઇપ્સોસ-બ્રિટીશ ફ્યુચર ઇમિગ્રેશન એટિટ્યુડ ટ્રેકરે સૂચવ્યું હતું કે ‘’સર્વેક્ષણમાં અડધાથી વધુ (53 ટકા) વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન ઘટાડવાની તરફેણમાં ન હતા. લોકોએ અર્થતંત્ર અને યુકેના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે તેમના ફાયદાને માન્યતા આપી છે.

LEAVE A REPLY