તા. 2ને મંગળવારે 80 માઇલ પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડા સ્ટ્રોમ હેન્કે અંધાધૂંધી ફેલાવી હતી. મેટ ઓફિસે લંડન સહિત બ્રિટનના 400-માઇલના વિસ્તાર માટે એમ્બર એલર્ટ આપી હતી અને દેશમાં પૂર અને સિગ્નલિંગ સમસ્યાઓના કારણે 20 થી વધુ રેલ લાઈનો પર રેલ વિક્ષેપ સર્જાયો હતો.
સ્ટ્રોમ હેન્ક આજે બ્રિટનમાં સવારે 10 વાગ્યે ત્રાટક્યું હતું. મેયર સાદિક ખાને લંડનમાં ‘જીવન અને સંપત્તિ માટે સંભવિત જોખમ’ અંગે ચેતવણી આપી છે. ઉડતો કાટમાળ, છત પરથી ઉડેલા નળિયા સંભવતઃ ઇજાઓ કરી શકે છે અથવા જીવન માટે જોખમી બની શકે છે તેવી ચેતવણીઓ અપાઇ હતી.
આ વાવાઝોડું સવારે 10 વાગ્યાથી સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડ અને સાઉથ વેલ્સમાં અને બપોરે સાઉથ ઇંગ્લેન્ડ, સાઉથ મિડલેન્ડ્સ અને ઇસ્ટ એંગ્લિયામાં ત્રાટક્યું હતું.
LNER, નોર્ધર્ન ક્રોસકન્ટ્રી અને GWR પરની ટ્રેનો પૂરને કારણે ખોરવાઈ ગઈ હતી તો અન્ય લાઈનો પર સિગ્નલની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. ડેવોનમાં ઓકેહેમ્પટન સ્ટેશન પર પુલની છત GWR ટ્રેક પર પડી હતી. M18 અને M48 સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર વાહનચાલકોને ભારે વિલંબ થયો હતો. પર્યાવરણ એજન્સીએ ઈંગ્લેન્ડ માટે 114 પૂરની ચેતવણી અને 261 એલર્ટ જારી કરી. રિચમન્ડ પાર્ક, કેન્સિંગ્ટન ગાર્ડન્સ અને ગ્રીનીચ પાર્ક બંધ કરાયા હતા. લંડન ફાયર બ્રિગેડે લોકોને બહારના ડેકોરેશન અને વેસ્ટ બિન્સ સુરક્ષિત રાખવા વિનંતી કરી હતી. કોર્નવોલમાં લગભગ 2,000 મિલકતોએ પાવર ગુમાવ્યો હતો અને હજુ વધુ આઉટેજ થઈ શકે છે.
ધોધમાર વરસાદ, ટ્રેક ફોલ્ટ અને સિગ્નલિંગ સમસ્યાઓના કારણે રેલ મુસાફરોને 20 થી વધુ વિવિધ લાઈનો પર વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો.