ભારતમાં 508 રેલવે સ્ટેશનોની કાયાપલટના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધન પર આડકતરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વિપક્ષ નકારાત્મક રાજકારણ રમી રહ્યો છે અને હાલ સમગ્ર દેશ એક અવાજે ભ્રષ્ટાચાર, વંશવાદ અને તૃષ્ટીકરણ જેવી દરેક દુષ્ટતાને ભારત છોડો કહી રહ્યો છે.
ઐતિહાસિક ક્વીટ ઇન્ડિયા (ભારત છોડો) ચળવળની 9 ઓગસ્ટે વર્ષગાંઠ આવી રહી હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ હતો, જેને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જા ભરી દીધી હતી. આજે આખો દેશ દરેક દુષ્ટતા, ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ માટે ‘ભારત છોડો’ની ગર્જના કરી રહ્યો છે.
મોદીએ જણાવ્યું હતું કે દુર્ભાગ્યે, આપણા દેશમાં વિપક્ષનો એક એવો વર્ગ છે, જે આજે પણ પોતે કંઈ કરશે નહીં અને બીજાને પણ કંઈ કરવા દેશે નહી, તેવા વલણથી અટવાયેલા છે. ભારત છોડો ચળવળમાંથી પ્રેરણા લઇને આખો દેશ હવે ‘ભ્રષ્ટાચાર, ભારત છોડો’, ‘વંશવાદ, ભારત છોડો’, ‘તુષ્ટિકરણ, ભારત છોડો’ કહીને દરેક અનિષ્ટ માટે ભારત છોડોની ગર્જના કરી રહ્યો છે.
PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે દેશની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા વધી છે અને સરકાર દેશના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભારત પ્રત્યે વિશ્વનું વલણ બદલાયું છે. તેની પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ એ કે ભારતીયોએ લગભગ ત્રણ દાયકા પછી પૂર્ણ બહુમતીવાળી સરકાર પસંદ કરી અને બીજું એ કે પૂર્ણ બહુમતીવાળી સરકારે મોટા નિર્ણયો લીધા અને દેશ સામેના પડકારોના કાયમી ઉકેલ માટે સતત કામ કર્યું છે. વિકસિત દેશના લક્ષ્ય તરફ આગળ વધી રહેલું ભારત ‘અમૃત કાલ’ની શરૂઆતમાં છે. નવી ઉર્જા, નવી પ્રેરણા અને નવા સંકલ્પો છે અને આ ભાવનાથી ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના વર્તમાન અને ભવિષ્યની ચિંતા કરીને એક આધુનિક સંસદ ભવન બનાવવામાં આવ્યું, જે લોકશાહીનું પ્રતીક છે તથા સરકાર અને વિપક્ષ બંનેનું પ્રતિનિધિત્વ છે. પરંતુ તેઓએ તેનો વિરોધ પણ કર્યો હતો. અમે કર્તવ્ય પથ વિકસાવ્યો અને તેઓએ તેનો પણ વિરોધ કર્યો હતો.
વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષના કોઈ મોટા નેતા આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા ગયા નથી. પરંતુ કેટલાક પક્ષો ભારતના પ્રથમ ગૃહમંત્રીને માત્ર ચૂંટણી દરમિયાન યાદ કરે છે