અનેક વર્ષોની સખત મેહનત પછી, બોલિવૂડમાં મજબૂત સ્થાન જમાવનાર ટેલેન્ટેડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેમની નવી ફિલ્મ ‘હડ્ડી’ અંગે ચર્ચામાં છે. આ ફિલ્મમાં નવાઝે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. તેણે આ ભૂમિકા ભજવવા માટે 20થી 25 ટ્રાન્સજેન્ડર્સ સાથે અનેક દિવસ રહ્યો હતો અને તેમના જીવનને નજીકથી જાણ્યું હતું. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાનમાં નવાઝે બોલિવૂડ ફિલ્મોને મળી રહેલી નિષ્ફ્ળતા અંગે પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, એક ફિલ્મ માટે રૂ. 100 કરોડ જેટલી મોટી રકમ ચાર્જ કરનાર એક્ટર્સ જ ફિલ્મને નુકસાન પહોંચાડે છે.
નવાઝે કહ્યું હતું કે, ફિલ્મનું બજેટ જ ફિલ્મ હિટ થશે કે ફ્લોપ તે નક્કી કરે છે. અનેક સુપર સ્ટાર્સ ફિલ્મ માટે રૂ. 100 કરોડ જેટલી ફી લે છે અને તેના કારણે જ ફિલ્મનું બજેટ પ્રોડ્યુસર્સની ગણતરીની બહાર પહોંચી જાય છે. આટલી મોટી રકમ ચાર્જ કરીને એક્ટર જ તેમની ફિલ્મને નુકસાન પહોંચાડે છે અને એટલા માટે જ બોક્સ ઓફિસ પર ફિલ્મ માટે તેટલું કલેક્શન કરવું આસાન નથી રહેતું. અંતે ફિલ્મ ફ્લોપ જતાં તેના માટે દિગ્દર્શકને જવાબદાર માનવામાં આવે છે અને પ્રોડ્યુસર્સની હાલત પણ કફોડી બની જાય છે. કોઈ દિવસ એક્ટર્સ, ડાયરેક્ટર્સ કે રાઈટર્સ ફ્લોપ નથી થતા, ફિલ્મનું બજેટ જ હંમેશા હિટ કે ફ્લોપ થતું હોય છે.
આ સાથે જ તેણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ એક વ્યક્તિ પાસે અનોખા સ્ટોરી હશે તો પ્રોડ્યુસર તેની પાછળ હંમેશા દોડવાના જ છે અને કોઈપણ ભોગે તે સ્ક્રિપ્ટ મેળવીને તેની પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરશે. આપણે ત્યાં કમનસીબે આવા ક્રિએટિવ વ્યક્તિઓની કદર નથી થતી. તેમને સાચી ક્રેડિટ મળવી જરૂરી છે. સારા વિચાર અને મોટા બજેટમાંથી હું હંમેશા સારા વિચારોને પ્રાથમકિતા આપીશ, કારણ કે, મોટું બજેટ જો ખોટા આઈડિયા પાછળ લાગ્યું તો ગમે તેટલું મોટું બજેટ પણ નુકસાનની સાથે પૂરું થઈ જશે.