ફાઇલ ફોટો (ANI Photo)

ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વહેલો થયો હતો, પરંતુ ચાર દિવસ માટે નિષ્ક્રીય બન્યું હતું અને રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધ્યું ન હતું. જોકે રવિવાર,16 જૂને ચોમાસુ ફરી સક્રિય બનતા  સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથક 6 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર બની ગયો હતો. ખંભાળિયામાં પહેલા વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો હતો. 10 જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, વલસાડ, અમરેલી,  સુરત, કચ્છ, જૂનાગઢ,  રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

પોરબંદરમાં 3 ઇંચ વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા હતાં. ભાણવડમાં અઢી ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ જ્યારે લીલિયા, બાબરામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી, કુતિયાણામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડયાં હતાં.

ખંભાળિયામાં ધોધમાર વરસાદના પગલે નગર ગેઈટ, સલાયા ગેઈટ, ગોવિંદ તળાવ, વિગેરે નીચાણવાળા વાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ખંભાળિયા – દ્વારકા માર્ગ પરના બારા, વડત્રા વિગેરે ગામોમાં ચાર ઈંચ સુધી વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમદળ, ઝાકસીયા, સામોર સહિતના ગામોમાં પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ ગઈ હતી.જોકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં છૂટા છવાયા ઝાપટા જ વરસ્યા હતાં.

ભાવનગર જિલ્લાના બે તાલુકામાં પણ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. રવિવારે ગારિયાધાર તાલુકામાં એક ઇંચ અને પાલિતાણા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે અન્ય કોઈ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં પણ અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી હતી.જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં આશરે અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં પ્રવેશે છે અને 20 જૂન સુધીમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત અન્ય ભાગોમાં આગળ વધે છે. 25 જૂન સુધીમાં, ચોમાસું સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોને આવરી લે છે, અને તે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લે છે.દરમિયાન, હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી હતી.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસરમાં શનિવારે સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે 25 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને મોરબી તેમજ રાજ્યના દક્ષિણ ભાગમાં નવસારી, વલસાડ અને સુરતમાં પણ થોડો વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY