સ્ટોકપોર્ટના સંસદસભ્ય, નવેન્દુ મિશ્રાએ, કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારા, લેબર એમપી વીરેન્દ્ર શર્મા અને લિબરલ ડેમોક્રેટના નેતા લોર્ડ ધોળકિયાના સથવારે વેસ્ટમિન્સ્ટર પેલેસમાં સ્પીકર્સ સ્ટેટ રૂમમાં સતત બીજા વર્ષે દિવાળી મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં પ્રાર્થના અને સ્વાગત સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર, એમપી; લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેનર, સાંસદ અને ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર અને નેપાળ તથા યુગાન્ડાના રાજદૂતો સહિત વિદેશી મહાનુભાવો, હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના અન્ય ઘણા સભ્યો હાજર રહ્યા હતા. સ્ટેટ રૂમ્સમાં તેમના ભાષણમાં, હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોયલે સૌને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મિશ્રાએ જણાવ્યું હતું કે “બ્રિટિશ હિંદુ સમુદાય બ્રિટનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણા રાષ્ટ્રમાં સકારાત્મક યોગદાન આપે છે. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે સળંગ બીજા વર્ષે સંસદમાં દિવાળીની પ્રાર્થના અને સત્કાર સમારંભનું સહ-આયોજન કરવાનો આનંદ છે. આ પર્વે હું દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.”
કાર્યક્રમમાં એશ્ટન, ગ્રેટર માન્ચેસ્ટરની લીલી’ઝ વેજિટેરિયન ઇન્ડિયન રેસ્ટોરન્ટ દ્વારા ભોજન અને ડ્રિંક્સ પૂરૂ પડાયું હતું. ભક્તિવેદાંત મનોર મંદિરના પૂજારી દ્વારા પ્રાર્થના કરાઇ હતી.