અમેરિકન અર્થશાસ્ત્રી હેરી ડેન્ટે દાવા કર્યો હતો કે, સ્ટોક માર્કેટમાં હવે જે મંદી આવશે તે 2008 કરતાં પણ વધુ ખરાબ હશે. ડેન્ટના અભિપ્રાય મુજબ 2025માં ગમે ત્યારે મંદી આવી શકે છે અને માર્કેટમાં કડાકો આવી શકે છે જેમાં એસ એન્ડ પી તેની ટોચ પરથી 80 ટકાએ પટકાશે અને નાસ્ડેક તેની ટોચ પરથી 90 ટકા સુધી પટકાય તેવું અનુમાન છે. જાણીતા લેખક હેરી ડેન્ટ વિશ્વભરના અર્થતંત્રનો અભ્યાસ કરવા માટે અનોખી પદ્ધતિનો ઉપયોગ કરે છે અને ભવિષ્યમાં શું થશે તેનો તાગ મેળવવા માટે તેમના વિશ્લેષણનો ઉપયોગ કરે છે. 2009માં પ્રકાશિત થયેલું તેમનું પુસ્તક ‘ધ ગ્રેટ ડિપ્રેશન અહેડ’ ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટસેલર પુસ્તકની યાદીમાં હતું.
એચ.એસ. ડેન્ટ ઈન્વેસ્ટમેન્ટે મેનેજમેન્ટના સ્થાપક હેરી ડેન્ટે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકાના સ્ટોક માર્કેટમાં અત્યારે કૃત્રિમ તેજી (બબલ) છે જે છેલ્લાં 14 વર્ષથી આગળ વધી રહી છે, તે અર્થતંત્રમાં સતત સ્ટિમ્યૂલસને કારણે જોવા મળી રહી છે.’ તેમણે કહ્યું કે મોટાભાગની કૃત્રિમ તેજી પાંચથી છ વર્ષ ટકે છે અને પછી તે બબલ ફૂટી જાય છે. પરંતુ વર્તમાન બબલ ઘણા લાંબા સમયથી છે. આથી 2008-09માં જે કડાકા જોવા મળ્યા હતા તેના કરતાં વધારે મોટા કડાકા માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે કોરોનાને કારણે જે આર્થિક નુકસાન થયું તેમાંથી રીકવરી માટે અમેરિકા સહિતના દેશોની સરકારોએ સ્ટીમ્યુલસ જાહેર કરવા માંડ્યા અને વ્યાજના દર ઐતિહાસિક નીચી સપાટીએ લઈ ગયા જેને કારણે સ્થિતિ વધારે વણસી છે.

LEAVE A REPLY