ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસનો હાહાકાર હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાતા તેની પ્રતિકૂળ અસરથી ગ્લોબલ ઈકોનોમીમાં વૃદ્ધિ ધીમી પડવાથી શેરબજારમાં મંદીના ભણકારા વાગ્યા છે. અમેરિકા, એશિયા અને યુરોપના શેરબજારોમાં જોવા મળેલા ગાબડાને પગલે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં શુક્રવારે ખુલતામાં જ 1,100 પોઈન્ટથી વધુનો કડાકો બોલતા 39,000ની સપાટી નીચે જ્યારે નિફ્ટી આંક 340 પોઈન્ટ ગબડીને 11,300ના સ્તરની નીચે જોવા મળે છે. ભારતીય શેરબજારમાં પ્રચંડ કડાકાને પગલે પાંચ જ મિનિટમાં રોકાણકારોના પાંચ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર ચાર ટકા તૂટ્યો છે જ્યારે એસબીઆઈ, ટાઈટન, લાર્સન એન્ડ ટુબ્રોમાં પણ ત્રણ ટકાથી વધુની નરમાઈ જોવા મળી છે. સેન્સેક્સના તમામ હેવીવેઈટ શેર્સ ધરાશાયી થઈ ગયા અને ૦.75 ટકાથી છ ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. તાતા સ્ટીલમાં સૌથી વધુ 5.92 ટકાનો કડાકો બોલ્યો છે. ફોરેક્સમાં ડોલર સામે રૂપિયો 33 પૈસા ગગડીને 71.94ના સ્તરે ખુલ્યો છે.
ચીન પછી ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા સહિત અન્ય દેશોમાં પણ કોરોના વાયરસે દેખા દેતા આગામી સમયમાં વાયરસથી વૈશ્વિક વૃદ્ધિને ફટકો પડવાથી સેન્ટિમેન્ટ ખરડાયું હોવાનું બજારવર્ગનું માનવું છે. આ ઉપરાંત ભારતીય અર્થતંત્રના જીડીપીના ડેટા આજે જાહેર થવાના હોવાથી તેમજ માર્ચ વલણના પ્રારંભે રોકાણકારોમાં ફફડાટ જોવા મળતા શેરોમાં ઓફલોડિંગ વધ્યું છે.
જેમ જેમ કોરોના વાયરસનો ચેપ ચીન બહાર ફેલાવાના આંકડા બહાર આવી રહ્યા છે તેમ તેમ વૈશ્વિક બજારમાં સેન્ટિમેન્ડ ડહોળાતું જાય છે. યુએસ માર્કેટમાં 2011 પછીનો સૌપ્રથમ એકદિવસીય મોટો કડાકો બોલ્યો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 4.4 ટકા ગગડ્યો હતો. એસએન્ડપી ઈન્ડેક્સમાં ઓલટાઈમ હાઈ સપાટીએથી 12 ટકાની પીછેહઠ જોવા મળી છે. ડાઉ જોન્સમાં 1,200 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. યુએસ શેરબજારમાં ઓક્ટોબર 2008 પછીનું સૌથી ખરાબ સપ્તાહ જોવા મળી રહ્યું છે. 2008માં આર્થિક મંદીને પગલે શેરબજારમાં અફરાતફરી મચી ગઈ હતી.