કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની જેમ ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શરૂઆત કરવામાં આવી છે.
નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી કરવામાં આવશે. જેમાં મહા આરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવેલ છે.
અત્યારે બંને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર SoU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ શો અત્યારે સાંજે 7.00 કલાકને બદલે સાંજે 6.45 કલાકે યોજાશે. જ્યાકે નર્મદા મહાઆરતી સાંજે 7.00 કલાકને બદલે સાંજે 7.30 કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેથી લેસર શૉ જોયા પછી પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકશે. લેસર શો સાંજે 7.15 કલાકે પૂર્ણ થશે અને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે ) નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે. તેમજ મહાઆરતી પૂર્ણ થયે વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા આયોજન કરવામાં આવેલ છે.