દુનિયાભરમાં રંગભેદ વિરુદ્ધ દેખાવ તેજ થઇ ગયા છે. અમેરિકામાં દેખાવકારોએ ક્રિસ્ટોફર કોલંબસનું સ્ટેચ્યુ ઉખાડીને નદીમાં ફેંકી દીધું. બ્રિટનમાં પણ દેખાવકારોએ એવા 60 સ્ટેચ્યુની યાદી બનાવી છે કે જેમને તેઓ પાડવા માગે છે. બેલ્જિયમ અને કોંગોમાં પણ સ્ટેચ્યુને નુકસાન પહોંચાડવાના બનાવ બન્યા છે.
અગાઉ બ્રિટનમાં વિન્સ્ટન ચર્ચિલના સ્ટેચ્યુને નિશાન બનાવાયું હતું. દેખાવકારો એવો દાવો કરી રહ્યા છે કે તેઓ માત્ર ગુલામપ્રથા, રંગભેદને પ્રોત્સાહન આપનારાઓના સ્ટેચ્યુ તોડી રહ્યા છે પણ અન્ય કેટલાક લોકોના સ્ટેચ્યુ પણ આ જનાક્રોશની ઝપટે ચઢી ગયા છે.
બીજી તરફ પોલીસ અત્યાચારમાં માર્યા ગયેલા અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હ્યૂસ્ટનમાં અંતિમવિધિ કરાઇ. દરમિયાન, લુસિયાનાના શ્રીવેપોર્ટ શહેરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 4 પોલીસકર્મી એક અશ્વેત વ્યક્તિને મુક્કા અને ડંડા મારતા, જમીન પર પટકતા દેખાય છે. પછી તે વ્યક્તિનું હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં મોત થાય છે.
સૂત્રોના જણાવ્યાનુસાર પીડિતનું નામ ટોમી ડાલે મેકગ્લોથન છે. વીડિયો અંગે પોલીસનું કહેવું છે કે મેકગ્લોથનને કાબૂમાં લેવા બળપ્રયોગ કરાયો. તે હિંસક હતો. તેણે તેના મકાનમાલિક સાથે ઝઘડો કર્યો હતો.