કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન RT-PCR અને RAT ટેસ્ટ પકડાઈ જાય છે તે બાબત પર ભાર મૂકતા કેન્દ્ર સરકારે કોઇપણ કેસોની વહેલી ઓળખ માટે ટેસ્ટિંગમાં વધારો કરવાની, આંતરરાષ્ટ્રીય યાત્રીનું અસરકારક સર્વેલન્સ કરવાની અને હોટસ્પોટની સખતાઈથી દેખરેખ રાખવાની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી હતી.
વિશ્વના વિવિધ દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતાં જતાં કેસોની વચ્ચે કોવિડ-19 પબ્લિક હેલ્થ રિસ્પોન્સના પગલાં અને તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણના વડપણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓની ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ બેઠક મળી હતી.
રાજેશ ભૂષણે રાજ્યોને સલાહ આપી હતી કે વિવિધ એરપોર્ટ, પોર્ટ અને જમીન માર્ગે ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ પર ચાંપતી નજર રાખો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદમાં માહિતી આપી હતી કે ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના હજુ સુધી કોઇ કેસ નોંધાયા નથી. નવો વાઇરસ ભારતમાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે પગલાં લીધા છે.વૈશ્વિક સ્તરે ઊભરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે તથા પોર્ટ પર ચાંપતી નજર રાખી રહી છે. શંકાસ્પદ કેસોના જિનોમ સિકવન્સિંગ પણ કરવામાં આવી રહ્યા છે.
રાજયસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રધાને જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટના કેસો અત્યાર સુધી 14 દેશોમાં નોંધાયા છે. ભારતમાં પણ અભ્યાસ કરવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં આવા કેસ નોંધાયા નથી.
ભૂષણના વડપણ હેઠળની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યોને ઇન્ટરનેશનલ પેસેન્જર્સનું અસરકારક સર્વેલેન્સ કરવાની સલાહ આપવામાં આવી હતી. ભૂષણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જોખમ ધરાવતા દેશોની કેટેગરીમાંથી આવતાં વિદેશી યાત્રીનું પ્રથમ દિવસે કોરોના ટેસ્ટિંગ અને બીજી કેટેગરીના મુસાફરોનું આઠ દિવસે ટેસ્ટિંગ નિયમો મુજબ પૂરતી કાળજી સાથે થાય તે જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે જોખમ ધરાવતા દેશોની કેટેગરીમાંથી આવતા આંતરરાષ્ટ્રીય યાત્રીઓને આરટી-પીસીઆર ટેસ્ટ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એરપોર્ટ પર રાહ જોવાની તૈયારી રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યોને તમામ પોઝિટિવ સેમ્પલને તરત જિનોમ સિકવન્સિંગ માટે મોકલવાની તથા પોઝિટિવ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની અને 14 દિવસ માટે ફોલો-અપ લેવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના નિવેદન મુજબ ICMRના DG ડો. બલરામ ભાર્ગવે માહિતી આપી હતી કે ઓમિક્રોન વેરિયન્ટ RT-PCR અને RAT ટેસ્ટમાં પકડાઈ જાઈ છે, તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઝડપથી ટેસ્ટિંગમાં વધારો કરવો જોઇએ અને ઝડપથી ઓળખ કરવી જોઇએ.
કેન્દ્રીય આરોગ્ય સચિવે ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની અને ટેસ્ટિંગ ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી હતી. રાજ્યોએ આરટી-પીસીઆર રેશિયો જાળવી રાખવીને દરેક જિલ્લામાં મોટા પાયે ટેસ્ટ કરવા જોઇએ.