રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની પ્રથમ સ્કીન બેન્કનો પ્રારંભ કરાયો હતો. સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે આ સ્કીન બેન્કનો શુભારંભ કરાયો હતો. તેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના બર્ન્સના દર્દીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ત્વચા (ચામડી) પણ શરીરનું એક અંગ જ છે અને આંખ, લીવર, કિડની, હાર્ટની જેમ હવે ત્વચાનું પણ દાન અને પ્રત્યારોપણ કરી શકાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ડોનેશનમાં આવેલી સ્કીન નિઃશુલ્ક મળી શકશે, જ્યારે અન્ય ટ્રસ્ટ સંચાલિત કે સેવાભાવી હોસ્પિટલમાં ગંભીર કેસોમાં સામાન્ય દરે આ સ્કીન ઉપલબ્ધ કરાવાશે.
રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ (પી.ડી.યુ.)ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉ. મોનાલી માકડિયાએ સ્કીન બેન્કની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ સ્કીન ડોનેશન પ્રોગ્રામ શરૂ કરાયો હતો.