ઊભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં ગુજરાત ફરી એક બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યું છે. કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેન્કિંગ ગુજરાત ટોચ પર રહ્યું છે. 2018ના રેન્કિંગ પણ ગુજરાત બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યું હતું.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ કવાયતમાં 22 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. સ્ટાર્ટ-અપ રેન્કિંગ રિઝલ્ટ 2019ને રાજ્યોને એક્સ અને વાય એમ બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક્સ ગ્રૂપમાં તમામ રાજ્યો અને દિલ્હીનો સમાવેશ થાય છે. વાય ગ્રૂપમાં આસામ સિવાયના ઉત્તરપૂર્વના રાજ્યોનો સમાવેશ થાય છે.
શુક્રવારે આ રેન્કિંગ જાહેર કરતાં વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે તેનાથી કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટાર્ટ-અપ માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ મળશે.
આ રેન્કિંગના પાંચ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ પરફોર્મર, ટોપ પરફોર્મર્સ, લીડર્સ, એસ્પાયરિંગ લીડર્સ અને ઇમર્જિંગ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે. ટોપ પરફોર્મર્સ રાજ્યોમાં કર્ણાટક અને કેરળ, લીડર્સ કેટેગરીમાં બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને ચંદીગઢનો સમાવેશ થયો છે. એસ્પાયરિંગ લીડર્સ રાજ્યોમાં હરિયાણા, ઝારખંડ, પંજાબ, તેલંગણા, ઉત્તરાખંડ અને નાગાલેન્ડનો સમાવેશ થયો છે.