વિશ્વની પ્રખ્યાત કોફી ચેઈન સ્ટારબક્સે ગુરુવારે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનની તેના નવા CEO તરીકે નીમવાની જાહેરાત કરી છે. અગાઉ નરસિમ્હન હાઇજિન કંપની રેકિટના CEO તરીકે ફરજ બજાવતા હતા.
સ્ટારબક્સે જણાવ્યું હતું કે લક્ષ્મણ નરસિમ્હન ઓક્ટોબરમાં સ્ટારબક્સ સાથે જોડાશે, પરંતુ એપ્રિલ 2023થી કંપનીની બાગડોળ સંભાળશે. વચગાળાના સીઈઓ હોવર્ડ શુલ્ટ્ઝ જ્યાં સુધી નરસિમ્હન સીઈઓનું પદ સંભાળશે નહીં ત્યાં સુધી કંપનીનું નેતૃત્વ ચાલુ રાખશે.
આ અગાઉ નરસિમ્હન પેપ્સીકોમાં પણ અનેક મહત્વના હોદ્દા પર કામ કરી ચૂક્યાં છે. તેઓ પેપ્સિકોમાં ગ્લોબલ ચીફ કોમર્શિયલ ઓફિસર પણ હતા. તેમણે કંપનીના લેટિન અમેરિકા, યુરોપ અને સબ-સહારન આફ્રિકાન કારોબારના સીઈઓ તરીકે પણ સેવા આપી હતી. નરસિમ્હને કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સે એન્ડ કંપનીમાં સીનિયર પાર્ટનર તરીકે પણ સેવા આપી છે.
મહામુસીબતે ફરી પાટે ચઢી રહેલ કોફી ચેઈન-સ્ટારબક્સને ફરી કોરોનાએ ફટકો માર્યો હતો. અમેરિકામાં કંપનીના લગભગ 200 સ્ટોર્સમાં કર્મચારીઓ વધતી જતી મોંઘવારીને અનુરૂપ વધુ સારા લાભો અને વેતનની માંગ સાથે યુનિયનો બનાવી રહ્યા છે. કંપની માટે ચીન પણ સૌથી મોટું વિદેશી બજાર છે. કોરોના પ્રતિબંધોને કારણે ચીનમાં કંપનીનો બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે. કંપની અહીં ફરી બેઠી થવા માંગે છે. એશિયન દેશોના કારોબારના બહોળા અનુભવને કારણે કંપનીનું સુકાન નરસિમ્હને આપવામાં આવ્યું છે.
ભારતીય મૂળના નરસિમ્હન સપ્ટેમ્બર 2019માં રેકિટ કંપનીમાં જોડાયા હતા. 1999માં કંપનીની રચના થઈ ત્યારથી રેકિટમાં સીઈઓનું પદ સંભાળનાર તેઓ પ્રથમ બહારના વ્યક્તિ હતા. તેમણે કોરોના મહામારી જેવા કપરાકાળમાં પણ કંપનીનું નેતૃત્વ કર્યું હતુ.