બ્રિટનની રાજગાદી સંભાળ્યા પછી પોતાની પ્રથમ વિદેશ યાત્રાએ બર્લિન પહોંચેલા કિંગ ચાર્લ્સ તૃતીયએ જણાવ્યું હતું કે, બ્રિટન અને જર્મની રશિયાના ઉશ્કેરણી વગરના હુમલા સામેની લડાઈમાં યુક્રેનની સાથે જ છે. જર્મન પ્રેસિડેન્ટ ફ્રાંન્ક-વોલ્ટર સ્ટેઈનમીઅર દ્વારા આયોજિત ખાસ સમારંભમાં, કિંગ ચાર્લ્સે “સાથે લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા” માટે બંને દેશોની કટિબદ્ધતાને રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આજે એટલું સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે, કારણ કે આપણે સ્વતંત્રતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે યુક્રેન સાથે મળીને ઉશ્કેરણી વગરના હુમલાનો સામનો કરી રહ્યા છીએ.”
74 વર્ષીય બ્રિટિશ કિંગ બ્રેક્ઝિટ પછી મજબૂત સંબંધો જાળવવા માટે “એક મહત્ત્વપૂર્ણ યુરોપિયન શિષ્ટાચાર” તરીકે જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. જર્મની સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું કે, તેઓ “આપણી વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે જરૂરી તમામ પ્રયાસ કરશે”. યજમાન સ્ટેઇનમીઅરે છ વર્ષ અગાઉ “દુઃખદ દિન” વિશે વાત કરી હતી જ્યારે બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની શરૂ કરી હતી. જર્મન પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, “આજે, બરાબર છ વર્ષ પછી, આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.” “આપણે હવે બદલાયેલી પરિસ્થિતિઓમાં આગળ તરફ જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ પણ સાથે છીએ,” તેમણે અંગ્રેજીમાં જણાવ્યું હતું કે, “આપણી મિત્રતા મહત્વપૂર્ણ છે, અને તે મજબૂત છે. યુક્રેનને તેની સ્વતંત્રતા બચાવવામાં મદદ કરવા માટે બ્રિટન અને જર્મનીએ લીધેલા સંયુક્ત પગલા દર્શાવે છે કે, “આપણો સંબંધ કેટલો મજબૂત છે.”
જર્મનીએ રાજવી મુલાકાતીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બર્લિન-બ્રાંડેનબર્ગ એરપોર્ટ ખાતે 21 બંદુકોની સલામી સાથે રાજવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મિલિટરીના બે જેટ એ વિમાનની સીડીની ઉંચાઇ પરથી જોઇ શકાય તેમ ફ્લાયપાસ્ટ કરી હતી. સ્ટેઇનમીઅર અને જર્મન ફર્સ્ટ લેડી એલ્ક બ્યૂડનબેન્ડર રાજવી દંપતીને લશ્કરી સન્માન સાથે મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, ચાર્લ્સ શુક્રવારે હેમ્બર્ગની મુસાફરી કરી હતી અને ગુરુવારે જર્મન સંસદમાં સંબોધન કરનાર પ્રથમ રાજવી પણ બન્યા હતા.