બ્રિટનમાં આવનાર દરેક વ્યક્તિએ “પેસેન્જર લોકેટર ફોર્મ” અને નેગેટીવ ટેસ્ટીંગ ફોર્મ સબમિટ કરવાનું હોવાથી અને અન્ય કારણોને પગલે હિથરો એરપોર્ટ પર મુસાફરોને બેંક હોલીડે વિકેન્ડમાં પાંચ કલાક સુધી લાઇનોમાં ઉભુ રહેવું પડ્યું હતું. જેના પગલે બ્રિટનની બોર્ડર રીજીમની આકરી ટીકાઓ થઈ રહી છે. સેંકડો મુસાફરોએ પાસપોર્ટ કંટ્રોલ ડેસ્ક પર સ્ટાફની અછત અને કતારોમાં સોસ્યલ ડિસ્ટન્સીંગના અભાવની ફરિયાદો કરી હતી.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે એરાઇવલ હોલમાં માત્ર ચોથા ભાગનો ડેસ્ક સ્ટાફ હતો. જેને કારણે નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધ લોકો સહિતના પ્રવાસીઓને કેટલાક કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. બોર્ડર ફોર્સનો સ્ટાફ અફઘાનિસ્તાનથી આવનારા લોકો માટે પ્રોસેસ કરી રહ્યો હોવાથી આ કામચલાઉ અછત સર્જાઇ હતી તેમ મનાય છે. ગયા મહિને અહેવાલ અપાયો હતો કે બોર્ડર ફોર્સના અધિકારીઓ હવે ગ્રીન અને એમ્બર દેશોમાંથી આવતા તમામ લોકોની તપાસ કરશે નહીં.
એક પ્રવાસીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “પાંચ કલાકથી વધુ સમયથી રાહ જોવી પડે છે અને “પાણી નથી, બાથરૂમ નથી. આ એક બદનામી છે.” સપ્તાહના અંતે હીથરોના એક મુસાફરે જણાવ્યું હતું કે એરાઇવલ હોલમાં 32માંથી માત્ર છ પાસપોર્ટ કંટ્રોલ ડેસ્ક જ ઉપયોગમાં લેવાતા હતાં.
હોમ ઓફિસે કહ્યું હતું કે સરકારની સૌથી વધુ પ્રાથમિકતા લોકોની સલામતી અને આરોગ્યની સુરક્ષા છે. તેનો અર્થ, એ છે કે ક્યારેક, મુસાફરોને સરહદ પાર કરવામાં લાગતા સમયમાં વધારો સ્વીકારવાની જરૂર પડશે.”