કોવિડ-19 રોગચાળા દરમિયાન બર્મિંગહામ અને સોલીહલ વિસ્તારના વૃદ્ધો માટે ગરમ શાકાહારી ભોજન પીરસી માનવતાની જ્યોત પ્રજ્જવલિત કરનાર શ્રી રામ મંદિર બર્મીંગહામે 6 ડિલિવરી ટીમો દ્વારા છેલ્લા બે મહિનામાં 1,262 લોકોને ભોજન પહોંચાડ્યું હતું.
શ્રી રામ મંદિર બર્મિંગહામે તા. 6 એપ્રિલ 2020ના રોજ ટિફિન સેવા શરૂ કરી હતી. જેમાં તેઓ મંદિર ખાતે તાજુ રાંધેલુ લસણ અને ડુંગળી વગરનું શાકાહારી ભોજન બનાવતા હતા અને બીમાર, સંવેદનશીલ અને આઇસોલેટ થયેલા લોકો સુધી પહોંચાડતા હતા. શ્રી રામ મંદિર બર્મીંગહામ તે વિસ્તારની એકમાત્ર સંસ્થા અથવા મંદિર છે જે લોકોને ઘરના દરવાજે રોજે રોજ તાજુ અને ગરમ રાંધેલુ ભોજન પહોંચાડી સેવા કરે છે.
23 માર્ચે લોકડાઉન જાહેર થતાં બધા મંદિરો અને સંસ્થાઓએ તેમના દરવાજા બંધ કરી લેતા વૃદ્ધો એકલતા અનુભવતા અને મુશ્કેલીમાં હતા. એક મંદિર તરીકે, જો આપણે આ પરિસ્થિતિમાં આપણા વૃદ્ધોને મદદ ન કરીએ તો કોણ કરે એ વિચાર આવતા શ્રી રામ મંદિર બર્મીંગહામના પ્રમુખ હિતેશભાઇ કુકડિયા અને જયશ્રીબેન પાનખણીયા (સેક્રેટરી)એ નિર્ણય લીધો કે આપણે કંઇક કરવું જોઈએ. જેને પગલે શુક્રવારની શાખામાં એક નાની ટીમ બનાવવામાં આવી હતી જેને અન્ય સ્વયંસેવકોએ આવકારીને મદદ માટે તત્પરતા બતાવી હતી.
આ સેવાકાર્યને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો અને તે સૌએ શ્રી રામ મંદિર બર્મિંગહામનો આભાર વ્યક્ત કર્યો હતો. હિતેશભાઇ કુકડિયાએ જણાવ્યું હતું કે ‘’અમે બધા સમુદાયોની સેવા કરીએ છીએ અને કોઇ જ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. અમે હિન્દુઓ સહિત શીખ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમ ભાઇ-બહેનોને પણ ટિફિન આપીએ છીએ.
પ્રસ્તુત તસવીરમાં આગળની હરોળમાં જયશ્રીબેન પાનખણીયા, માલાબેન કુકડિયા, કમલાબેન કુકડિયા, બીજી હરોળમાં નિમિષાબેન કારેલીયા, હિતેશભાઇ કુકડિયા, ચંદ્રિકાબેન દાવડા અને પાછળની હરોળમાં કેશુભાઇ મહેર, હેમલભાઇ કારેલીયા, સંજયભાઇ જીલકા અને સાયમન વુડ નજરે પડે છે. સેવામાં સામેલ ચાંદનીબેન જીલકા, જીતેશભાઇ સમાણી, ગીતાબેન ગોહિલ, રાજેશભાઇ પાનખણીયા તસવીરમાં નથી.