ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા શ્રીલંકામાં પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષેએ શનિવારે ઇમરજન્સી જાહેર કરી છે. આ અંગે પ્રેસિડેન્ટે એક આદેશમાં કહ્યું કે, દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના પૂરવઠાને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં લોકો રસ્તા પર આવી ગયા છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હિંસક પ્રદર્શનને જોતા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરી છે.
કથળતી આર્થિક સ્થિતિને કારણે લોકોમાં રાષ્ટ્રપતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ટોળાએ તેમના નિવાસસ્થાન સામે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે વોટર કેનન અને લાકડીઓ વડે ભીડને કાબૂમાં લેવી પડી હતી. હવે શ્રીલંકામાં દરેક જગ્યાએ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યાં છે.
શ્રીલંકામાં ખાણી-પીણીની સાથે આવશ્યક ચીજવસ્તુઓની અછતને કારણે આગચંપી, હિંસા, પ્રદર્શન, સરકારી મિલકતોમાં તોડફોડ થઈ રહી છે. લાંબા સમય સુધી પાવર કટ, અને ઇંધણના અભાવે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો. વીજળી, પેટ્રોલ-ડીઝલ અને ટ્રાન્સપોર્ટ સેવાઓને માઠી અસર થઈ છે અને લોકો તેની અછતથી પીડાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસે પેપરની અછત છે, જેના કારણે તેમની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં શ્રીલંકાના લોકોમાં નિરાશાનું વાતાવરણ છે અને તેઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.