છેલ્લાં કેટલાંક દિવસોથી જૈન સમુદાયના દેશભરમાં ઉગ્ર દેખાવોને પગલે મોદી સરકારે ગુરુવાર, 5 જાન્યુઆરીએ પારસનાથ ટેકરી પર તમામ પર્યટન પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી હતી અને ઝારખંડ સરકારને તેની પવિત્રતાના રક્ષણ માટે જરૂરી તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આ ટેકરી પર જૈનોનું પવિત્ર તીર્થસ્થાન ‘સમ્મેદ શિખરજી’ આવેલું છે. ઝારખંડ રાજ્ય સરકારે આ સ્થળને પર્યટન સ્થળ બનાવવાની હિલચાલ કરી હતી. પરંતુ જૈનોની દલીલ હતી કે તેનાથી તીર્થસ્થાનની પવિત્રતાનો ભંગ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાને પગલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આ સંદર્ભે રાજ્યને ઓફિસ મેમોરેન્ડમ મોકલ્યું હતું, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે આ મુદ્દે અગાઉ જૈન સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કર્યા પછી આ ગતિવિધી થઈ હતી. પ્રધાને ખાતરી આપી હતી કે સરકાર ‘સમ્મેદ શિખરજી પર્વત ક્ષેત્ર’ની પવિત્રતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જે માત્ર જૈન સમુદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે માટે પવિત્ર સ્થાનક છે.
આદિવાસી બહુમતી ધરાવતા રાજ્ય ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ ટેકરી પર સ્થિત સંમેદ શિખરજી જૈન સમુદાયનું સૌથી મોટું તીર્થસ્થાન છે. ઝારખંડ સરકારના વન વિભાગના અધિક મુખ્ય સચિવને ઓફિસ મેમોરેન્ડમ જારી કરીને કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે “ઉક્ત ઇકો-સેન્સિટિવ ઝોન નોટિફિકેશનની કલમ 3 ની જોગવાઈઓના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે, જેમાં અન્ય તમામ પ્રવાસન અને પર્યાવરણીય પ્રવાસન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે”
જૈન સમુદાયે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો
જૈન સમાજના પ્રતિનિધિઓએ નવી દિલ્હીમાં આ નિર્ણય માટે વડા પ્રધાન મોદીનો આભાર માનવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સૌથી પવિત્ર યાત્રાધામની પવિત્રતા જાળવવામાં આવશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ચિંતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને અમારા સંતુષ્ટિ મુજબ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.”