શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા રવિવાર તા. 24મી જુલાઈ 2022ના રોજ લેસ્ટરમાં SPA લેસ્ટર કોમ્યુનિટી સેન્ટર ખાતે વડિલો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “સામાજિક સંભાળ” પર પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ કરાઇ હતી. 500થી વધુ આદરણીય વડીલો, અન્ય 100 સ્વયંસેવકોએ યુ.કે.ના 14 વિવિધ નગરોમાંથી ભાગ લીધો હતો.
સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાની ભાવના સાથે ભોજન માટે સ્ટીલની પ્લેટ, કપ અને કટલરીનો ઉપયોગ કરાયો હતો. સવારના સત્રની શરૂઆત 14 શાખાઓના પ્રતિનિધિ દ્વારા આરતી સાથે કરાઇ હતી. શ્રીમતી પુષ્પાબેન યોગેશભાઈ મિસ્ત્રી (લુટન)એ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઈન્દિરાબેન ભાણાભાઈ લાડ (પ્રેસ્ટન), પુષ્પાબેન યોગેશભાઈ મિસ્ત્રી (લુટન), અને હંસાબેન પ્રવિણભાઈ મિસ્ત્રી (લુટન) દ્વારા સ્વગત ગીત રજૂ થયું હતું. લેસ્ટર સિટી કાઉન્સિલના એડલ્ટ સોશિયલ કેર એન્ડ સેફગાર્ડિંગના વિભાગીય નિયામક રૂથ લેકે સોશિયલ કેર પર ખૂબ જ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેનો ગુજરાતીમાં અનુવાદ પિયુષભાઈ અંબાલાલભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ)એ કર્યો હતો.
નીલાબેન કિરણભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ)એ તેમના પિતા શ્રી કરસનભાઈ મિસ્ત્રી (સોલીહલ)ની સારસંભાળને લગતા અનુભવો જણાવ્યા હતા. કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના 4 આદરણીય “સેન્ચ્યુરીયન” શ્રી નરશીભાઈ ભુલાભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ), શ્રીમતી ભાનીબેન મંગુભાઈ મિસ્ત્રી (લેસ્ટર), શ્રી ગોપાલભાઈ રામભાઈ મિસ્ત્રી (બર્મિંગહામ) અને શ્રીમતી વિજીયાબેન પરશોતમભાઈ મિસ્ત્રી (લેસ્ટર)ને સન્માનિત કરાયા હતા.
લંચ પછી બોલિવૂડ નૃત્ય, ગીત, નાટક, કરાઓકે, બિન્ગોની રમત, રેફલ ડ્રોનો લાભ લીધો હતો. બ્રિટન અને ભારતના રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થાય તે પહેલા SPA UK ના પ્રમુખ, કમલેશભાઈ સી મિસ્ત્રીએ સૌનો આભાર વ્યક્ત કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.