આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં વ્યાજદરમાં શુક્રવાર (8 એપ્રિલ)એ અસાધારણ વધારો કરવામાં આવ્યો હતો. નિરંકુશ ફુગાવાને કાબુમાં લેવા માટે સેન્ટ્રલ બેન્ક ઓફ શ્રીલંકાએ તેના સ્ટેન્ડિંગ લેન્ડિંગ રેટને આશરે 7.5 ટકા વધારાને 14.50 કર્યા છે, જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ રેટને બમણા કરીને 13.50 ટકા કર્યા છે. ભયાનક આર્થિક કટોકટીને કારણે શ્રીલંકામાં જીવનજરૂરિયાત ચીજવસ્તુઓને ભારે અછત છે અને તેનાથી લોકો રસ્તા પર આવી ગયા છે.
જંગી દેવું ધરાવતા આ દેશ પાસે ઇંધણ, પાવર, ફૂડ અને મેડિસિનની આયાત માટે વિદેશી હૂંડિયામણ નથી. પાંચ દિવસની ઇમર્જન્સી અને બે દિવસનો રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ હોવા છતાં આશરે એક મહિનાથી લોકો રસ્તા પર સતત વિરોધી દેખાવો કરી રહ્યાં છે. માર્ચમાં ફુગાવો 18.7 ટકા જેટલો ઊંચો હતો. પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષેની સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું છે. વિપક્ષે સંયુક્ત સરકારની રચનાની ઓફર ફગાવી દીધી છે.