ચીનના જાસૂસી જહાજોને લંગારવાની વારંવારની વિનંતી વચ્ચે શ્રીલંકાએ તેની જળસીમામાં વિદેશી રીસર્ચ જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
ટાપુ દેશના વિદેશ પ્રધાન અલી સબરીએ ગુરુવારે જણાવ્યું હતું કે અમે અમારી ક્ષમતામાં વધારો કરવા માગીએ છીએ, જેથી અમે પણ સમાન ભાગીદાર તરીકે રીસર્ચ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકીએ. લંકાની સરકારે સંબંધિત દેશોને નિર્ણયની જાણ કરી છે.
અગાઉ ચીને શ્રીલંકાની જળસીમામાં વધુ એક સંશોધન જહાજને બર્થ કરવા માટે પરવાનગી માગી હતી. ચીન નિયમિતપણે શ્રીલંકામાં તેના સંશોધન/સર્વેલન્સ જહાજો મોકલે છે. આ વર્ષે ઓગસ્ટમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી નેવીનું યુદ્ધ જહાજ HAI YANG 24 HAO બે દિવસની મુલાકાતે દેશમાં આવ્યું હતું.
ચીનના સર્વે અને સંશોધન જહાજ ‘શી યાન 6’ ભારતના વાંધાઓ છતાં કોલંબો બંદરે ઓક્ટોબરમાં આવ્યું હતું અને હિંદ મહાસાગરના જળસ્તંભ પર નેશનલ એક્વેટિક રિસોર્સિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (NARA) સાથે સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકાના હમ્બનટોટા બંદરે ચીની બેલિસ્ટિક મિસાઇલ અને સેટેલાઇટ ટ્રેકિંગ શિપ ‘યુઆન વાંગ 5’ આવ્યું હતું અને તેની ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી.