ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ઇંધણની તીવ્ર અછતને કારણે સોમવારથી જાહેર ક્ષેત્રની ઓફિસો અને સ્કૂલો બંધ કરવાની સરકારે જાહેરાત કરી છે. શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે વીજળીની લાંબી કટોકટીને પગલે આગામી સપ્તાહથી કોલંબો શહેરની તમામ સરકારી અને સરકારની માન્યતા ધરાવતી ખાનગી સ્કૂલોને માત્ર ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
આ ટાપુ દેશમાં ઇંધણનો સ્ટોક ઝડપથી ખલાસ થઈ રહ્યો છે. આયાતનું બિલ ચુકવવા તાકીદે વિદેશી હૂંડિયામણની જરૂર છે. હાલમાં શ્રીલંકાના ઘણા ક્ષેત્રોનો ઉદ્યોગો બંધ થઈ ગયા છે. પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લાગે છે.
જાહેર વહીવટ અને ગૃહ મંત્રાલયે શુક્રવારે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે ઇંધણની સપ્લાય પર તીવ્ર મર્યાદા, નબળા જાહેર પરિવહન અને ખાનગી વ્હિકલના ઉપયોગમાં મુશ્કેલીથી ઓછામાં ઓછા સ્ટાફને સોમવારથી ઓફિસ આવવાની સૂચના અપાઈ છે. જોકે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓએ ઓફિસ આવવાનું રહેશે.
ડેઇલી મિરર વર્તમાનપત્રના અહેવાલમાં જણાવાયું છે કે શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે લાંબા વીજકાપને કારણે આગામી સપ્તાહથી કોલંબો શહેરની હદમાં આવતી તમામ સરકારી અને સરકારની માન્યતા ધરાવતી ખાનગી સ્કૂલોને બંધ રાખવાની તાકીદ કરી છે. શ્રીલાંકે છેલ્લાં કેટલાંક મહિનાથી એક દિવસમાં 13 કલાક સુધી વીજકાપનો સામનો કરી રહ્યું છે.
આ સપ્તાહના પ્રારંભમાં રોકડભીડનો સામનો કરી રહેલી શ્રીલંકાની સરકારે અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવા માટે કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી. તેમાં ટર્નઓવરને આધારે કંપનીઓ પર 2.5 ટકા સામાજિક યોગદાન ટેક્સ, મોટાભાગના સરકારી કર્મચારીઓ માટે શુક્રવારે રજાનો સમાવેશ થાય છે. સરકાર ઊર્જા અને ફૂડ કટોકટીનો ઉકેલ લાવવાના પગલાં પણ લઈ રહી છે. કેબિનેટે આગામી ત્રણ મહિના સુધી દર સપ્તાહે સરકારી અધિકારીઓ માટે એક રજા મંજૂર કરી છે, જેથી તેઓ કૃષિ ક્ષેત્રમાં કામ કરી શકે તથા સંભવિત ફૂડ કટોકટીનો સામનો થઈ શકે. શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે શુક્રવારે જણાવ્યું હતું કે દેશની 2.2 કરોડ વસતિમાંથી આશરે ચારથી પાંચ લાખ લોકોને ખાદ્ય ચીજવસ્તુઓની અછતની સીધી અસર થવાની ધારણા છે.