શ્રીલંકાના પ્રેસિડન્ટ ગોતાબાયા રાજપક્ષેએ કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકવા શુક્રવાર રાતથી 10 દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો આદેશ આપ્યો હતો. નેશનલ ઓપરેશન સેન્ટર ફોર કોવિડ પ્રિવેન્શનએ કહ્યું કે લોકડાઉન શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થઈને 30 ઓગસ્ટની સવારે 4 વાગ્યા સુધી રહેશે. કોરોના ડેલ્ટા વેરિયન્ટને ફેલાવાને કારણે 32 મિલિયનની વસતીના આ દેશમાં હોસ્પિટલો દર્દીથી ઊભરાઈ રહી છે.
કોવિડ પ્રિવેન્શન માટે નેશનલ ઓપરેશન સેન્ટરના વડાની પણ કામગીરી સંભાળતા આર્મી ચીફ જનરલ શવેન્દ્ર સિલ્વાએ જણાવ્યું હતું કે ક્વારેન્ટાઈન કર્ફ્યુ રાત્રે 10 થી 30 ઓગસ્ટ સુધી રહેશે. અગાઉ રાજપક્ષેએ તેનો અમલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશ બંધ થવાને કારણે અર્થતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.
શ્રીલંકામાં ગુરુવારે કોરોના વાયરસના કારણે 186 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 3800 નવા કેસ મળી આવ્યા હતા, જે એક રેકોર્ડ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શ્રીલંકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 6,790 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે કુલ 373,165 લોકોને ચેપ લાગ્યો છે,
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે રાજધાની કોલંબો સાથે પશ્ચિમી પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે. કોલંબોમાં 75 ટકાથી વધુ કેસ ઝડપથી ફેલાતા ડેલ્ટા વર્ઝનના છે. જૂનના મધ્ય પછી આ પ્રથમ વખત હશે જ્યારે દેશ ફરીથી લોકડાઉન હેઠળ છે. શ્રીલંકાની કુલ 2 કરોડથી વધુ વસ્તીમાંથી માત્ર 50 લાખ લોકોને જ રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના ફેલાવાને અટકાવવા માટે મેડિકલ પ્રોફેશનલ્સ, ધાર્મિક નેતાઓ, રાજકીય નેતાઓ અને બિઝનેસમેને તાકીદે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માગણી કરી હતી.