શ્રીલંકાની જેલમાં કોરોના વાઇરસના વધતાં કેસો સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે થયેલી હિંસામાં આઠ કેદીના મોત થયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા. શ્રીલંકામાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને દેશભરની જેલમાં નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે.
કેદીઓ કોરોના ટેસ્ટિંગ અને આઇસોલેશન ફેસિલિટી માટે તાજેતરના સપ્તાહોમાં વિરોધ કરી રહી છે. શ્રીલંકાની રાજધાની કોલંબોની બહાર આવેલી એક જેલમાં આ તોફાન ફાટી નીકળ્યું હતું. માહિતી અનુસાર, ઓછામાં ઓછા આઠ કેદીઓ માર્યા ગયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. એવું જાણવા મળ્યું છે કે કેટલાક કેદીઓએ જેલનો દરવાજો ખોલવાનો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી અધિકારીઓએ બળપ્રયોગ કર્યો હતો. ત્યારે જ તોફાન શરૂ થયું હતું.
પોલીસ પ્રવક્તા અજીત રોહાનાએ જણાવ્યું હતું કે કોલંબોથી લગભગ 15 કિલોમીટર ઉત્તરમાં આવેલી મહારા જેલમાં કેદીઓએ અશાંતિ ફેલાવી હતી. જેલ સત્તાવાળાઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પગલાં લીધા હતા.