ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ભારતના પડોશી દેશ શ્રીલંકામાં હવે શુક્રવારથી વાહનો માટે ઇંધણનું વેચાણ રેશનિંગના ધોરણે ચાલુ થયું છે. સરકાર માલિકીની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના નિવેદન મુજબ મોટરસાઇકલ અને ટુ વ્હિલર ફ્યુઅલ સ્ટેશનની પ્રત્યેક મુલાકાત વખતે વધુમાં વધુ રૂ.1000નું ઇંધણ ખરીદી શકશે. થ્રી વ્હિલર્સને વધુમાં વધુ રૂ.1,500નું ઇંધણ મળશે. આ ઉપરાંત કાર, જીપ અને વેન્સને મહત્તમ રૂ.5,000નું ઇંધણ મળશે.
જોકે આ રેશનિંગમાંથી બસ, લોરી અને કોમર્શિયલ વ્હિકલને મુક્તિ આપવામાં આવી છે. દેશમાં ઇંધણની ભારે અછત છે અને તેનાથી ફ્યુઅલ સ્ટેશનો પર લાંબી કતારો લાગે છે. આ સ્થિતિમાં જનતાનો પણ રોષ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત ઘરોમાં આશરે 12 કલાકનો વીજ કાપ ચાલુ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની તીવ્ર અછત છે. શ્રીલંકાના રૂપિયાનું જંગી ધોવાણ થયું છે.
તાજેતરમાં શ્રીલંકાએ આઝાદી મળ્યા બાદ પ્રથમ વખત વિદેશી દેવાની ચુકવણીમાં નાદારી નોંધાવી હતી. આવી સ્થિતિમાં સતત સાત દિવસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. લોકો પ્રેસિડન્ટ ગોટાબાયાના રાજીનામાની માગણી કરી રહ્યાં છે.