આઈપીએલમાં આ વર્ષે નવી જ સામેલ થયેલી ગુજરાત ટાઈટન્સની ટીમને સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદે પરાજયનો પહેલો સ્વાદ ચખાડ્યો હતો. એ પહેલા, ત્રણ મેચ રમી ત્રણેમાં વિજય સાથે રવિવાર સુધી ગુજરાતની ટીમ લીગની એકમાત્ર અજેય ટીમ રહી હતી.
સોમવારના જંગમાં હૈદરાબાદના સુકાની કેન વિલિયમસને ટોસ જીતી ગુજરાતને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો અને એકંદરે તેનો એ નિર્ણય કારગત પણ નિવડ્યો હતો. સુકાની હાર્દિક પંડ્યના 42 બોલમાં અણનમ 50 તથા અભિનવ મનોહરના 21 બોલમાં 35 રન સાથે ગુજરાત સાત વિકેટે 162નો સામાન્ય સ્કોર જ કરી શકી હતી. એ માટે હૈદરાબાદની શિષ્તબદ્ધ બોલિંગ મુખ્યત્ત્વે જવાબદાર હતી, તેના છ માંથી એકપણ બોલરે 40 રન નહોતા આપ્યા, તો વોશિંગ્ટન સુંદર એક વિકેટ લઈ શક્યો નહોતો, છતાં ત્રણ ઓવરમાં ફક્ત 14 રન આપી તે સૌથી વધુ કરકસરયુક્ત રહ્યો હતો. ભૂવનેશ્રર કુમાર અને ટી. નટરાજને બે-બે વિકેટ લીધી હતી, તો માર્કો જાન્સેન અને ઉમરાન મલિકે એક-એક શિકાર ઝડપ્યા હતા.
જવાબમાં હૈદરાબાદ તરફથી સુકાની વિલિયમસનના ઝમકદાર 57, સાથી ઓપનર અભિષેક શર્માના 42 અને નિકોલસ પૂરણના અણનમ 34 સાથે હૈદરાબાદે 19.1 ઓવર્સમાં જ 163 રનનો ટાર્ગેટ વટાવી જઈ બે વિકેટે 168 કર્યા હતા. ગુજરાતનો લોકી ફરગ્યુશન ચાર ઓવરમાં 46 રન સાથે સૌથી મોંઘો સાબિત થયો હતો, તેને એકેય વિકેટ પણ નહોતી મળી.
આઈપીએલની આ સીઝનમાં બે અઠવાડિયાથી વધુનો સમય વિતી ગયો છે અને ચાર-ચાર મેચ રમ્યા પછી પણ લીગની બે ખૂબજ દિગ્ગજ ગણાતી ટીમ્સ – ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ તથા સૌથી વધુ – પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે હજી પોતાના વિજયનું ખાતું ખોલાવી શકી નથી. અગાઉના પાંચ વર્ષોમાં તો આ બેમાંથી એક સિવાયની કોઈ ટીમ ચેમ્પિયન બની શકી નથી અને લીગના 14 વર્ષના ઈતિહાસમાં આ બન્નેએ મળીને 9 ટાઈટલ તો કબજે કરેલા છે.
રવિવારે (10 એપ્રિલ) રમાયેલી બે મેચમાં બપોરની વહેલી મેચમાં તો દિલ્હી કેપિટલ્સે કોલકાતાને 44 રને આસાનીથી હરાવી દીધું હતું, પણ મોડી સાંજની મેચમાં રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરના દિલધડક જંગમાં લખનૌ સુપર જાયન્ટ્સને ફક્ત ત્રણ રને હરાવી મુકાબલાને રોમાંચક બનાવ્યો હતો.
આ મેચમાં જ ભારતના પીઢ સ્પીનર – ઓલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને પણ ટીમની સ્ટ્રેટેજી મુજબ પહેલી વખત રીટાર્યડ આઉટનો વિકલ્પ અપનાવ્યો હતો. કોઈપણ બેટ્સમેન રીટાર્યડ આઉટનો વિકલ્પ હવે આઈપીએલમાં અપનાવી શકે છે, જેમાં તે આઉટ થયા વિના મેદાન છોડીને પેવેલિયનમાં પાછો ફરી શકે છે, પણ પછી તેને ફરી મેદાન ઉપર આવી બેટીંગ કરી શકતો નથી. આટલા પુરતું આ નિયમ રીટાયર્ડ હર્ટથી અલગ અને નવો છે.