યુકેમાં પોતાના પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં તાજેતરમાં 55 ટકા જેટલો મોટો વધારો સરકારે કર્યો છે. યુકે સરકારના આ નિર્ણયથી ભારતીય સહિત અન્ય મૂળના બ્રિટિશ નાગરિકો તથા ઇમિગ્રન્ટ્સ માટે ફેમિલી વિઝા દ્વારા પોતાના પરિવારજનોને સ્પોન્સર કરવાનું મુશ્કેલ બનશે. ગત વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલ પગારની મર્યાદામાં વધારો કરાયાને પગલે આ નિર્ણય લેવાયો છે.

ગત ગુરુવારથી અમલી બનેલા આ નવા વધારાને પગલે ફેમિલી વિઝાના માધ્યમથી પોતાના કોઈ પરિવારજનને બ્રિટનમાં બોલાવવા માટે સ્પોન્સરશિપ કરવા ઈચ્છતા વ્યક્તિનું લઘુતમ વાર્ષિક વેતન 29,000 પાઉન્ડ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉ આ શ્રેણી હેઠળ લઘુતમ વાર્ષિક વેતન 18,600 પાઉન્ડ હતું. આવતા વર્ષથી આ વેતનની આ લઘુતમ જરૂરિયાતને સ્કીલ્ડ વર્કર વિઝાની શ્રેણી માટે નક્કી કરાયેલી 38,700 પાઉન્ડની ટોચમર્યાદાને સમકક્ષ બનાવવા તેમાં પણ બે ગણો વધારો કરાશે.

યુકેના હોમ ડીપાર્ટમેન્ટે આ નવા નિયમો અંગે જણાવ્યું હતું કે, દેશમાં અધિકૃત ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર નિયંત્રણ મુકવા તથા અહીં આવતા લોકો બ્રિટિશ કરદાતાઓ પર ભારરૂપ ના બને તે માટે વડાપ્રધાન ઋષિ સુનક તથા હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીની યોજનાનો અમલ કરાયો છે. ક્લેવરલીએ જણાવ્યું હતું કે, વિદેશી ઇમિગ્રન્ટસના મુદ્દે હવે આપણી ટોચમર્યાદા આવી ગઈ છે. જોકે જ્યારે આ યોજના બ્રિટિશ સંસદમાં રજૂ કરાઈ ત્યારે વિરોધ પક્ષો દ્વારા તેની આકરી ટીકા કરાઈ હતી.

વડાપ્રધાન સુનકે આ નવા નિયમો અંગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેમના પરિવારના લોકોને આ દેશમાં લાવવા ઈચ્છતા હોય તો તેઓ તેમને મદદ કરી શકે તેટલાં સક્ષમ હોવા જોઈએ. અમે વેતનની ટોચમર્યાદામાં બે તબક્કામાં નોંધપાત્ર વધારો કરી રહ્યાં છીએ. ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, લઘુતમ આવકની જરૂરિયાતમાં કરાયેલો વધારો તબક્કાવાર અમલી બનાવાયો હોવાથી સ્પોન્સર કરનાર પરિવારો આયોજનપૂર્વક વિઝાની પ્રક્રિયામાં આગળ વધી શકશે અને યુકેમાં આવતા તેમના પરિવારોની આર્થિક સલામતી સુનિશ્ચિત બનશે.

LEAVE A REPLY