એક નાટકીય ઘટનાક્રમમાં અમદાવાદથી મુસાફરો લઇને દુબઇ ગયેલી સ્પાઇસજેટની ફ્લાઇટ્ને લેન્ડિંગ માટે દુબઈના મુખ્ય એરપોર્ટના બદલે બાજુમાં આવેલા, બહુ ઓછા ઉપયોગમાં લેવાતા અલ મકતુમ એરપોર્ટ ઉપર ડાઇવર્ટ કરાઈ હતી અને 30 નવેમ્બરના રોજ વિમાન દુબઈની કોર્ટના એક આદેશને પગલે જપ્ત કરાયું હતું. તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં. જોકે પછીથી આઠ ડિસેમ્બરે વિમાનને મુક્ત કરાયું હતું.
સ્પાઈસજેટની ફલાઈટ એસજી-15 અમદાવાદથી 30 નવેમ્બરે સવારે 12.12 વાગ્યે દુબઈ માટે રવાના થઈ હતી. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 10 મિનિટ દૂર તેને દુબઈના બીજા અને ઓછા વ્યસ્ત એરપોર્ટ અલ મકતુમ ઈન્ટરનેશનલ (દુબઇ વર્લ્ડ સેન્ટર) તરફ વાળવાની સૂચના આપવામાં આવી હતી. વિમાન નીચે ઉતર્યા પછી વિમાન ભાડાપટ્ટે આપનાર કંપનીએ તેને કોર્ટના આદેશને આધારે જપ્ત કર્યું હતું.
જોકે આઠ ઓક્ટોબરે સ્પાઇસજેટે જણાવ્યું હતું કે દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર (DIFC) કોર્ટના આદેશ પછી તેનું જપ્ત કરાયેલું વિમાન મુક્ત કરાયું હતું. DIFC કોર્ટે સાત ડીસેમ્બરે સ્પાઇસજેટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પાઇસજેટને થયેલા નુકસાનની તપાસનો પણ આદેશ આપ્યો હતો. સ્પાઇસજેટને કાનૂની ખર્ચનું વળતર ચુકવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો.
સ્પાઈસજેટના જણાવ્યા અનુસાર, DIFC કોર્ટે 30 ઓક્ટોબરે ભારતીય રજિસ્ટ્રેશન VT-SLM ધરાવતાં એરક્રાફ્ટના એન્જિન માટે “ફ્રીઝિંગ ઓર્ડર (ઓર્ડર)” જારી કર્યો હતો. આ ઓર્ડરના પરિણામે, એરક્રાફ્ટને અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગ્રાઉન્ડ કરી જપ્ત કરાયું હતું.
સ્પાઇસજેટે ડીસેમ્બર 2018માં કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સ પાસેથી બોઈંગ 737 એનજી એરક્રાફ્ટ લીઝ પર લીધું હતું. આ વિમાન માટે સ્પાઇસજેટે પેમેન્ટ ન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ મુદ્દે કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર એન્જિન ભાડે આપનાર કંપનીએ એન્જિન કાઢી લેવા માટે વિમાનને ગ્રાઉન્ડ કરવા કોર્ટનો આદેશ મેળવ્યો હતો.