સ્પાઇસજેટના વિમાનોમાં ટેકનિકલ ખામીઓની સંખ્યામાં અસાધારણ વધારો થતાં એવિયેશન રેગ્યુલેટરે બુધવાર (6 જુલાઇ)એ આ એરલાઇન કંપનીને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશનને એરલાઇનની કામગીરી અંગે કેટલાંક સવાલ કર્યા છે. તેમાં નબળી આંતરિક સેફ્ટીથી લઇને વેન્ડર્સને સમયસરના પેમેન્ટના અભાવનો સમાવેશ થાય છે. તેનાથી સ્પાઇસજેટની વિમાન કાફલામાં સ્પેર પોર્ટસની અછત પણ ઊભી થઈ છે.
સરકારની નોટિસમાં જણાવાયું છે કે સ્પાઇસજેટ મિનિમમ ઇક્વિપમેન્ટ લિસ્ટ સાથે ફ્લાઇટ ઓપરેટ કરતી નથી. આનો અર્થ એવો થાય છે કે વિમાનને ઉડ્ડયન માટે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તમામ સિસ્ટમ કાર્યરત છે તેવું નથી.
તાજેતરના સમયગાળામાં સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામીની સમસ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 5 જુલાઈએ દિલ્હીથી દુબઈ જઈ રહેલી એક ફ્લાઈટના ફ્યુઅલ ઈન્ડિકેટરમાં સમસ્યાને કારણે તેનું પાકિસ્તાનના કરાચી ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. 6 જુલાઇએ ફ્લાઈટનું હવામાન બતાવતું રડાર ખરાબ થવાના કારણે ચીન જઈ રહેલું સ્પાઈસજેટ કાર્ગો વિમાન કોલકાતા પરત ફર્યું હતું. આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડીજીસીએ (DGCA)એ સ્પાઈસજેટને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે.
DGCAએ સ્પાઈસજેટને પોતાના વિમાનના સેફ્ટી માર્જિનમાં જે પ્રકારે ઘટાડો નોંધાયો છે તેના સંબંધમાં કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. DGCAએ એરલાઈન પાસેથી સ્પષ્ટીકરણ માગવાની સાથે જ સ્પાઈસજેટ સુરક્ષિત, વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં અસફળ રહ્યું હોવાની ટિપ્ણી કરી હતી. છેલ્લા 18 દિવસોમાં 8 ટેક્નિકલ ખામીની ઘટનાઓ સામે આવ્યા બાદ DGCAએ સ્પાઈસજેટને આ નોટિસ પાઠવી છે.