મહારાષ્ટ્રના મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે એર ટર્બ્યુલન્સને કારણે વિમાનમાં સવાર 12 મુસાફરો ઘાયલ થયા હતા. વિમાનમાં ઉપરથી સામાન પડવાને કારણે કેટલાક મુસાફરોને માથામાં ઈજા થતા તેમને ટાંકા લેવામાં આવ્યા હતા. એક મુસાફરને કરોડરજ્જુમાં ઈજા પણ થઈ હતી..આ ઘટનામાં 3 કેબિન ક્રૂ પણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે તપાસ ચાલુ કરવામાં આવી હતી.
વિમાન દુર્ગાપુરમાં લેન્ડિંગ કરતું તે સમયે આ બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્ત 12 મુસાફરોને એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક વધારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોઈંગ 737 (VT-SLH) SG-945 તરીકે ઓપરેટ થઈ રહ્યું હતું, ત્યારે ખરાબ હવામાનને કારણે એર ટર્બ્યુલન્સમાં ફસાયું હતું. સ્પાઈસ જેટે આ બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પૂરતી મેડિકલ સારવાર પૂરી પાડવાની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્પાઈસ જેટની ફ્લાઈટ તોફાનમાં ફસાઈ ગઈ હતી, જેના લીધે પ્લેનની અંદરનો સામાન મુસાફરો પર પડ્યો હતો અને તેમાં 40 જેટલાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. 40માંથી 12 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે એવિએશન મંત્રાલય દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.