ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી એરલાઇન સ્પાઇસજેટ સતત આઠ ક્વાર્ટર્સની ખોટ બાદ ફરી નફો કરતી થઈ છે. કોરોના મહામારી ઓસરતા કંપનીને નફો કરવામાં મદદ મળી હતી. 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં કંપનીએ રૂ.232.8 મિલિયન (3.1 મિલિયન ડોલર)નો નફો કર્યો હતો.
કંપનીએ ગયા વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.569.6 મિલિયનની ખોટ કરી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક 34 ટકા વધીને રૂ.22.6 બિલિયન થઈ હતી. કુલ ખર્ચમાં પણ 34 ટકાનો વધારો થયો હતો. ઓક્ટોબર મહિનામાં ચેરમેન અજય સિંહે જણાવ્યું હતું કે કંપની ડિસેમ્બર ક્વાર્ટરમાં ફરી નફો કરતી થાય તેવી શક્યતા છે. કંપનીએ ખર્ચકપાતના પગલાં લીધા હતી, તથા એરક્રાફ્ટ લીઝની ફરી સમજૂતી કરી હતી. રિઝલ્ટ બાદ અજય સિંહે જણાવ્યું હતું કે પેસેન્જર સેગમેન્ટમાં રિકવરીના નવેસરથી સંકેત મળ્યા હતા અને લોજિસ્ટિક્સ સેગમેન્ટ મજબૂત રહ્યું છે. બોઇંગ સાથે વિવાદનો અંતે આ ક્વાર્ટરની કંપની માટે મહત્ત્વની ઘટના હતી. સ્પાઇસજેટ અને બોઇંગ વચ્ચે 737 મેક્સના દાવાની પતાવટ અંગે સમજૂતી થઈ હતી. કંપનીએ આગામી બે વર્ષમાં વધુ 30થી 40 પેસેન્જર વિમાનનો ઉમેરો કરવાની યોજના બનાવી છે. સ્પાઇસજેટની હરીફ ઇન્ડિગોએ પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો કર્યો હતો.