ભારતની અગ્રણી એરલાઈન સ્પાઈસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીનો વધુ એક બનાવ સોમવારે બનવા પામ્યો હતો. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના જણાવ્યા અનુસાર સ્પાઇસજેટની દુબઇ-મદુરાઇ ફ્લાઇટના બોઇંગ બી૭3૭ મેક્સ વિમાનના પૈડામાં ખામીને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આ સાથે સ્પાઇસજેટની ફ્લાઇટમાં ૨૪ દિવસમાં ટેક્નિકલ ખામીની આ નવમી ઘટના છે.
એરલાઇનમાં ૧૯ જુલાઇથી બનેલી અગાઉની આઠ ઘટના માટે ડીજીસીએ દ્વારા સ્પાઇસજેટને ૬ જુલાઇએ કારણદર્શક નોટિસ અપાઈ હતી. ડીજીસીએ દ્વારા નોટિસમાં જણાવાયું હતું કે, “બજેટ એરલાઇન સુરક્ષિત, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર હવાઇ સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.” ડીજીસીએના અધિકારીઓએ નોંધ્યું હતું કે, “સોમવારે મેંગલુરુ-દુબઇ ફ્લાઇટ માટેના બોઇંગ બી૭૩૭ મેક્સ વિમાનની ચકાસણી પછી એન્જિનિયરને જણાયું હતું કે, વિમાનનું ‘નોઝ વ્હીલ’ સામાન્ય કરતાં વધુ દબાયેલું છે.” એરલાઇને દુબઇ-મદુરાઇની રિટર્ન ફ્લાઇટ માટે અન્ય વિમાન મોકલ્યું હતું.
સ્પાઇસજેટના પ્રવક્તાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, “સ્પાઇસજેટની દુબઇથી મદુરાઇ આવતી ફ્લાઇટ એસજી ૨૩માં છેલ્લી ઘડીની ટેક્નિકલ ખામીના કારણે વિલંબ થયો હતો. જોકે, પેસેન્જર્સને ભારત પરત લાવવા વૈકલ્પિક વિમાનની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ હતી. કોઇ પણ એરલાઇનની ફ્લાઇટ મોડી પડી શકે. આ ફ્લાઇટમાં સુરક્ષાની ખામીનો કોઈ બનાવ બન્યો નથી.”