મુંબઈમાં 1993ના બોંબ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું. તેને ઝેર અપાયું હોવાની અટકળો થઈ રહી છે. જોકે આ અંગે પુષ્ટી મળી શકી ન હતી.
સૂત્રોના ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે તેને હોસ્પિટલની અંદર કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને તે તેના ફ્લોર પર એકમાત્ર દર્દી છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેમના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પહોંચવાની સુવિધા છે.
મુંબઈ પોલીસ અંડરવર્લ્ડ ડોનના હોસ્પિટલમાં દાખલ થવા અંગે તેના સંબંધીઓ અલીશાહ પારકર અને સાજિદ વાગલે પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. જાન્યુઆરીમાં દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્રે ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA)ને જણાવ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન બીજી વખત લગ્ન કર્યા બાદ કરાચીમાં જ રહે છે.
ભારત માટે દાઉદ ઈબ્રાહિમ એક કટ્ટર આતંકવાદી છે, જેણે ભારતમાં ઘણી ત્રાસવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે. બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યાર પછી મુંબઈમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેમાં દાઉદનો હાથ હોવાનું સાબિત થયેલું છે. આ બ્લાસ્ટમાં 250 લોકોનો મોત થયા હતા.