ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે રમાયેલી ફૂટબોલ મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને 1-0થી હરાવી પ્રથમવાર ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પણ પહેલી જ વાર ફાઈનલમાં પહોંચી હતી. લાયનેસીસ તરીકે ઓળખાતી ઈંગ્લેન્ડની ટીમ જો કે, ફાઈનલમાં પ્રવેશ સુધી અજેય રહી હતી, પણ સૌથી મહત્ત્વના અને અતિંમ જંગમાં સ્પેનિશ હરીફોએ તેને હરાવી હતી. ગયા વર્ષે યુરોપિયન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડે સ્પેનને હરાવ્યું હતું.
સ્પેન તરફથી ઓલ્ગા કાર્મોનાએ પ્રથમ હાફમાં જ ગોલ કર્યો હતો અને પછી ટીમે તે સરસાઈ જાળવી રાખી હતી. સ્પેનિશ ટીમ આ અગાઉ ક્યારેય ક્વાર્ટર ફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. પણ આ વખતે ટીમે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં સ્વિત્ઝરલેન્ડને, ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સને તથા સેમિ ફાઈનલમાં સ્વીડનને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.