ભારતની સંખ્યાબંધ કંપનીઓ સ્પેશ્યલ પર્પઝ એક્વિઝિશન કંપની (SPAC) મારફત અમેરિકાના શેરબજારમાં લિસ્ટિંગની વિચારણા કરી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતની ઓછામાં ઓછી 10 કંપનીઓ અમેરિકામાં SPAC ડીલ મારફત લિસ્ટિંગ કરાવી શકે છે. સ્પેશ્યલ પર્પઝ એક્વિઝિશન કંપનીઓ સામાન્ય રીતે બ્લેન્ક ચેક કંપનીઓ તરીકે પણ ઓળખાય છે અને તેમાંથી લિસ્ટિંગની પ્રક્રિયા સરળ બને છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વોલમાર્ટ ઇન્કની માલિકીની ફ્લિપકાર્ટ બ્લેન્ક ચેક કંપની સાથે મર્જર મારફત અમેરિકામાં પબ્લિક ઇશ્યૂની શક્યતા ચકાસી રહી છે. બેંગલુરુ સ્થિત ઓનલાઇન રિટેલ કંપની અમેરિકામાં આઇપીઓની વિચારણા કરી રહી છે અને તે હવે વિવિધ વિકલ્પો ચકાસી રહી છે. ફ્લિપકાર્ટના એડવાઇઝર્સે કેટલીક સ્પેશ્યલ પર્પઝ એક્વિઝિશન કંપની (SPAC)નો સંપર્ક કર્યો છે.
byસૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટ બ્લેન્ક ચેક ટ્રાન્ઝેક્શનમાં 35 બિલિયન ડોલરનું વેલ્યુએશન માંગી શકે છે. આ અંગેની મંત્રણા પ્રારંભિક તબક્કામાં છે અને ફ્લિપકાર્ટ બીજા વિકલ્પો પણ વિચારી શકે છે.
ભારતની ઓનલાઇન ગ્રોસરી કંપની ગ્રોફર્સ પણ SPAC ડીલ્સ મારફત અમેરિકામાં લિસ્ટિંગની શક્યતા ચકાસી રહી છે. ગયા સપ્તાહે રિન્યૂ પાવરે અમેરિકામાં લિસ્ટેડ સ્પેશ્યલ પર્પઝ એક્વિઝિશન કંપની સાથે સમજૂતી કરી હતી. તેમાં તેનું વેલ્યુએશન 8 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું. SPACs એક શેલ કંપની છે, જે બે વર્ષમાં બિઝનેસ ખરીદવાની યોજના સાથે જાહેર રોકાણકારો પાસેથી નાણા એકઠા કરે છે. SPAC ડીલને પગલે વોલમાર્ટ તેના ભારત ખાતેના એકમનું ઝડપથી લિસ્ટિંગ કરાવી શકે છે.