- અમિત રોય દ્વારા
શ્રીચંદ હિન્દુજાને ટેડ હીથ, સર જોન મેજર, ટોની બ્લેર, યુએસ પ્રમુખ એચડબલ્યુ બુશ, મોરારજી દેસાઈ અને ઈન્દિરા ગાંધી, માર્ગરેટ થેચર, ઇરાનના શાહ સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે સંબંઘો હતા. એસપીને જે તે સરકારના વડાઓને પોતાના વિચારો સાથે સંક્ષિપ્ત બ્રિફ મોકલવાની પણ આદત હતી.
1970ના દાયકાની શરૂઆતમાં ઈરાનને ડુંગળીની અછતનો કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગની ઈરાની વાનગીઓ માટે ડુંગળી પર આધાર રાખતા સામાન્ય માણસે પ્રતિ કિલો 15-16 ગણો ભાવ એટલે કે 2 ડોલર ચૂકવવો પડતો હતો. બટાકાની પણ આવી જ અછત હતી. ઈરાનના શાહે હિન્દુજાને 200,000 ટન ડુંગળી અને 200,000 ટન બટાકાનો ઓર્ડર 14 દિવસમાં ડિલિવરી કરવાની શરતે આપ્યો હતો. નસીબ જોગે, તે વર્ષે ભારતે બંનેનો બમ્પર પાક થયો હતો અને ખેડૂતો તેને ફેંકી દેતા હતા.
ભીડ હોવાથી ભારતીય બંદરોમાંથી સમયસર જરૂરી જથ્થો પહોંચી શકે તેમ ન હોવાથી જમીન માર્ગે માલ ઇરાન મોકલવાનું વિચાર્યું હતું. ઇરાનના શાહે પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો દ્વારા ભુટ્ટોને 500 વિશાળ એર-કન્ડિશન્ડ ટ્રકની મંજૂરી માટે મનાવી લીધા હતા. પરંતુ ભુટ્ટોએ છેલ્લી ઘડીએ રમત રમી વાંધો ઉઠાવ્યો કે ‘મને કોઈ ભારતીય ડ્રાઈવરો જોઈતા નથી. તો બીજી તરફ ટ્રકો પાકિસ્તાન/ભારત સરહદે આવતા ભારતીય કસ્ટમ અધિકારીએ કહ્યું કે ‘ટ્રકને ભારતમાં લઈ જવી હોય તો દરેક ટ્રક પર 350 ટકા બોન્ડ ગેરંટી ચૂકવવી.’ એસપીએ તે માટે બોમ્બેથી દિલ્હી જઇને વડા પ્રધાનના શક્તિશાળી મુખ્ય સચિવ પી. એન. હકસરને રજૂઆત કરતાં હક્સરે એસપીને કહ્યું હતું કે, હું પ્રયત્ન કરીશ, પણ મારા હાથ બંધાયેલા છે.’ જેથી આખરે લંડન ઓફિસમાંથી બ્રિટિશ બેંક ઑફ ધ મિડલ ઇસ્ટ પર ડ્રો કરાયેલા 350 ટકા ટેક્સની ચૂકવણી કરતા બોન્ડ મોકલતા ટ્રકો છોડવામાં આવી હતી. તે પછી 50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લેખે પુણે અને નાસિકના ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી.
લોકોએ તેમને સલાહ આપી હતી કે શાહ ઓઇલના વેચાણથી અબજો કમાઈ રહ્યા છે તો તમારે વધુ નફો કરવો જોઇએ. પણ અમે તે સૂચનને નકારી જુના ભાવે ઓર્ડરના 12 દિવસ પછી, ‘હિંદુજા ડુંગળી અને બટાકા’ ઈરાનના પ્રાંતીય બજારોમાં મોકલી આપ્યા હતા. પછીથી સાંભળવા મળ્યું હતું કે ઇરાનના શાહે હિન્દુજા ભાઇઓની પ્રસંશા કરી હતી. હિન્દુજા બ્રધર્સે વધારે રકમ આપતા શાહના ચેકને નકારી નમ્ર પ્રતિભાવ આપી કહ્યું હતું કે ‘તમે ઉદારતા માટે મહારાજનો આભાર માનજો. પણ અમે અમારી ફરજ બજાવી છે અને વધુ રકમ સ્વીકારી શકીએ નહિં.’
જેને પગલે શાહે હિન્દુજા પર ઘણો વિશ્વાસ કેળવ્યો હતો અને ભારતને અનુકૂળ શરતો પર ઓઇલ આપવા સંમત થયા હતા. ભારતને બે વર્ષના મોરેટોરિયમ સાથે પાંચ વર્ષની ક્રેડિટ મળી હતી. ઇરાનના શાહને સમજાવ્યા હતા કે ઈરાન માટે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા વધુ સારું રહેશે. હિન્દુજાએ શાહ અને શ્રીમતી ગાંધીને જન્મદિવસ પર નાની ભેટની આપ-લે કરવા માટે પણ સમજાવ્યા હતા. શ્રીમતી ગાંધીએ કેરીઓ મોકલી હતી.
તે પછી ઈરાન અને ભારત વચ્ચે સિમેન્ટ, ખાંડ, રેલ, વેગન, સ્ટીલ, કાપડ, જ્યુટના વ્યાપારનો વિકાસ થયો હતો. શાહને વિશ્વાસ હતો કે જો તે હિન્દુજા દ્વારા સોદો કરશે તો તેમને યોગ્ય ગુણવત્તાની સેવા મળશે. એસપીએ ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો સુધારવામાં યોગદાન આપ્યું હતું અને એક વર્ષે તો તેમણે બંને દેશો વચ્ચે 66 વાર ઉડાન ભરી હતી.
શાહ અને શ્રીમતી ગાંધી અને અન્ય નેતાઓ સાથે સંબંધો હોવા છતાં ‘રાજા, તત્વો, અગ્નિ અને સમુદ્રથી અંતર જાળવી રાખવાના મૂળભૂત વૈદિક સિદ્ધાંત મુજબ હંમેશા અંતર જાળવતા.
એસપીને શ્રીમતી થેચર સાથે પણ સારા સંબંધ હતા અને તેમની સમક્ષ ભારત-બ્રિટિશ ભાગીદારીનો ખ્યાલ આપ્યો હતો. એસપીએ દાવો કર્યો હતો કે ભારતે બિન-પરમાણુ પ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હોવાને કારણે ભારત પર ગુસ્સે થયેલા રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને પણ ભારત પ્રત્યેનું તેમનું વલણ બદલવા માટે સમજાવ્યા હતા. તેમણે બ્લેરને એક મેમો મોકલી પશ્ચિમનું વાસ્તવિક હરીફ ભારત નહીં પરંતુ ચીન છે એમ કહેતા બ્લેરે ક્લિન્ટનને સમજાવ્યા હતા. ભારતના નેશનલ સિક્યુરીટી એડવાઇઝર બ્રજેશ મિશ્રા સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં જઇ બ્લેરને મળી વાજપેયીનો પત્ર આપ્યો હતો જે પછીથી બ્લેરે ક્લિન્ટનને સોંપ્યો હતો.
એસપી કેન્સિંગ્ટન પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સને પણ મળ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે ‘’હું સાથે લાવેલો શાકાહારી ખોરાક ખાવા માંગુ છું.’’ પાછળથી પ્રિન્સ ચાર્લ્સ હિન્દુજા કેમ્બ્રિજ ટ્રસ્ટના પેટ્રન બન્યા હતા જે ભારતથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં લાવે છે.”