મોદી સરકારના આર્થિક મેનેજમેન્ટને વધાવી લઇને વૈશ્વિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલે બુધવારે ભારતના સોવરિન રેટિંગના આઉટલૂકને સ્ટેબલથી સુધારીને પોઝિટિવ કર્યું હતું. રાજકીય સ્થિરતા સાથે લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિમાં સારા દેખાવને કારણે આઉટલૂકમાં વધારો કરાયો છે. રેટિંગ એજન્સીએ ભારતના લાંબા ગાળાના રેટિંગ ‘BBB-‘ અને ટૂંકાગાળાના ‘A-3’ રેટિંગને જાળવી રાખ્યું હતું.
રેટિંગના આઉટલૂકમાં સુધારાને કારણે આગામી 24 મહિનામાં ભારતને ઊંચુ રેટિંગ મળવાની શક્યતા ઊભી થઈ છે.
અમેરિકા સ્થિત S&P ગ્લોબલે જણાવ્યું હતું કે “પોઝિટિવ આઉટલૂક અમારા એવા અભિપ્રાયને પ્રતિબિંબિત કરે છે કે નીતિની સ્થિરતા ચાલુ રહેશે, આર્થિક સુધારાઓ વધુ ગાઢ બનશે અને માળખાકીય રોકાણમાં વધારો થશે. આ ઉપરાંત સરકારના ઊંચા દેવા અને વ્યાજબોજમાં ઘટાડો કરતી રાજકોષિય અને નાણાકીય નીતિને કારણે આગામી 24 મહિનામાં ભારતને ઊંચું રેટિંગ મળી શકે છે. S&P ગ્લોબલ અપેક્ષા રાખે છે કે સાવચેતીભરી રાજકોષીય અને નાણાકીય નીતિઓ સરકારના દેવા અને વ્યાજના બોજમાં ઘટાડો કરશે. જેનાથી આર્થિક પ્રતિરોધ ક્ષમતા મજબૂત થશે.
સાર્વભૌમ રેટિંગ એ દેશના રોકાણના વાતાવરણના જોખમ સ્તરને માપવા માટેનું એક સાધન છે અને રોકાણકારોને તેના દેવાની ચુકવણી કરવાની દેશની ક્ષમતા દર્શાવે છે. છેલ્લે 2010માં S&Pએ આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું હતું.
રોકાણકારો દેશના રેટિંગને દેશની ધિરાણપાત્રતાના બેરોમીટર તરીકે જોતા હોય છે અને તેના આધારે રોકાણ કરતાં હોય છે. સારા રેટિંગને કારણે દેશને આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા વ્યાજદરે ઋણ લેવામાં પણ મદદ મળે છે.
રેટિંગ એજન્સની જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્રે COVID-19 મહામારીના આર્થિક ફટકામાંથી “નોંધપાત્ર પુનરાગમન” કર્યું છે. આ વર્ષે ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 6.8 ટકાની ધારણા છે. જે વૈશ્વિક આર્થિક નરમાઈ અને પ્રાદેશિક હરીફ દેશો કરતાં વધુ સારી છે. એજન્સીનો અંદાજ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વાર્ષિક સરેરાશ 8.1 ટકા રહ્યો છે, જે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ છે.