ભારતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા વિરોધ પક્ષોના- ‘ઈન્ડિયા ગઠબંધન’ની મુખ્ય પાર્ટી કોંગ્રેસને પશ્ચિમ બંગાળ અને પંજાબમાં સાથી પક્ષો તરફથી સમર્થન મળી રહ્યું નથી ત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ તેની સાથે બેઠકો મુદ્દે સમજૂતી કરી હતી. સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે જાહેરાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે 11 બેઠકો પર સમજૂતી થઈ ગઈ છે. આ અંગે અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જમાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સાથેની 11 બેઠકો પર સમજૂતીથી અમારા સૌહાર્દપૂર્ણ ગઠબંધનની સારી શરૂઆત થઇ રહી છે. આ સમજૂતી જીતના સમીકરણ સાથે આગળ વધશે.

જોકે, અખિલેશ યાદવના આ પ્રસ્તાવથી પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ નારાજ છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કહ્યું હતું કે, આ અખિલેશ યાદવનો એકતરફી નિર્ણય છે જેની સાથે તેઓ સહમત નથી.
અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 23 સીટો પર ચૂંટણી લડવા ઇચ્છે છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 11 બેઠકો આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે કોઈ ઔપચારિક ગઠબંધન કર્યું ન હતું, પરંતુ તેમણે રાયબરેલીમાં સોનિયા ગાંધી અને અમેઠીમાં રાહુલ ગાંધીની બેઠકો પર કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. આ પહેલા સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોક દળ (RLD) સાથે ગઠબંધન કર્યું હતું, જે અંતર્ગત આરએલડીને સાત સીટો આપવામાં આવી હતી.

LEAVE A REPLY