પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સાઉથ ઇસ્ટ લંડનના સધર્કના બર્મન્ડસી વિસ્તારમાં આવેલા ડેલફોર્ડ રોડ પરના ત્રણ બેડરૂમના ટેરેસ હાઉસમાંથી ‘વન્ડરફુલ’ NHS મહિલા વર્કર ડોલેટ હિલ સહિત ચાર લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

શ્રીમતી ડોલેટ હિલ ગાય્સ હોસ્પિટલમાં હાઉસકીપર તરીકે કામ કરતી હતી અને હાલમાં જ સફળ કેન્સર સર્જરી કરાવી હતી. તેણીને પુત્રીઓ પણ હતી.

સોમવાર, 25 એપ્રિલના રોજ મળસ્કે 1.40 કલાકે ગરબડના અહેવાલોને પગલે પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કરતા ચાર લોકોને ઘાયલ હાલતમાં શોધી કાઢ્યા હતા. ઇમરજન્સી સેવાએ ત્રણ મહિલા અને એક પુરૂષને ઘટના સ્થળે જ મૃત જાહેર કર્યા હતા.

મોતને ભેટેલી ત્રણ મહિલાઓ 60, 40 અને 30ના દાયકાની અને એક પુરુષ 60ના દાયકાનો હતો. પોલીસે હત્યાની શંકાના આધારે 20ના દાયકાના એક યુવાનની ધરપકડ કરી હતી જેને સાઉથ લંડન પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને તે હાલમાં કસ્ટડીમાં છે.

મેયર સાદિક ખાને કહ્યું હતું કે “સધર્કમાં એક ઘટનામાં ગઈકાલે રાત્રે ત્રણ મહિલાઓ અને એક પુરૂષની હત્યા થઇ તે સાંભળીને હૃદય તૂટી ગયું. મારા વિચારો એ લોકોના પરિવાર અને મિત્રો સાથે છે જેમણે આ ભયાનક ગુનામાં પ્રિયજનોને ગુમાવ્યા છે. તપાસ ચાલી રહી છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.”

કેમ્બરવેલ અને પેકહામના સાંસદ હેરિયેટ હરમને ટ્વીટ કર્યું હતું કે તે “દુ:ખદ” છે અને તેઓ મેટ પોલીસ અને સ્થાનિક કાઉન્સિલ સાથે કામ કરી રહ્યા છે.’’

સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે ‘’પોલીસ અધિકારીઓ નજીકના સંબંધીઓનો સંપર્ક કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ ટેસ્ટ યોગ્ય સમયે ગોઠવવામાં આવશે. મેટના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ્સ તાજેતરના વર્ષોમાં થયેલા લંડનના સૌથી મોટા સિંગલ હત્યાકાંડની તપાસ કરી રહ્યા છે. પોલીસ સંજોગો સ્થાપિત કરવા માટે પૂછપરછ ચાલુ છે.