ન્યૂજર્સીમાં મોરિસ કાઉન્ટીમાં ભારતીય મૂળના એક ફાર્મસીના કર્મચારીએ સ્વીકાર્યું હતું કે, તે જ્યાં કામ કરતો હતો તે ફાર્મસીમાં પ્રિસ્ક્રિપ્શનો લેવાના બદલામાં તેણે લાંચ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. ન્યૂજર્સીમાં હાસ્કેલના રહેવાસી 51 વર્ષીય શ્રીનિવાસ રાજુ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ એ. શિપ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા ફેડરલ લાંચ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવાના ષડયંત્રમાં દોષિત ઠર્યો હતો. ન્યૂજર્સીના યુ.એસ. એટર્ની ફિલિપ આર. સેલિંગરે ગત 22 ડિસેમ્બરે અખબારી યાદીમાં આ દોષિત અંગેની જાહેરાત કરી હતી. અગાઉ આ પ્રકારના લાંચના ગુનામાં નેવાર્કની 58 વર્ષીય મેગડાલેના જિમેનીઝ દોષિત ઠરી હતી. કોર્ટેમાં આ કેસના રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને કોર્ટમાં આપેલા નિવેદનો મુજબ રાજુ પાસે મોરિસ કાઉન્ટી ફાર્મસીમાં વિવિધ જવાબદારીઓ હતી, જેમાં તેનું કામ પ્રિસ્ક્રિપ્શન ડિલિવરીનું સંકલન કરવાનું અને બિઝનેસ સંબંધિત હતું.
જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2021 સુધી, રાજુએ અન્ય ફાર્મસી કર્મચારીઓ સાથે મળીને જર્સી સિટી, ન્યૂજર્સીમાં બે જુદા-જુદા ડોકટરોની ઓફિસમાં મેડિકલ કર્મચારીઓને લાંચ આપી હતી. તેના બદલામાં, તે કર્મચારીઓ અસંખ્ય, ઉંચી કિંમતના પ્રિસ્ક્રિપ્શનો એ ફાર્મસીમાં લઈને ગયા જ્યાં રાજુ કામ કરતો હતો, તેવું યુએસ એટર્ની ઓફિસની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું. રાજુ અને તેના સાગરિતોએ દરેક પ્રિસ્ક્રિપ્શન માટે 150 જેટલા ડોલર ચૂકવ્યા હતા અને તેમાંથી લાંચની ઘણી ચૂકવણી છુપાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. ફાર્મસીએ લાંચની યોજનામાંથી મેળવેલા પ્રિસ્ક્રિપ્શનોના આધારે મેડિકેર રિઇમ્બર્સમેન્ટ ચૂકવણીમાં 2.4 મિલિયન ડોલરથી વધુ મેળવ્યા નાણા મેળવ્યા હતા.
આ ષડયંત્રના આરોપમાં વધુમાં વધુ પાંચ વર્ષની જેલ સજા અને 250,000 ડોલરનો દંડ અથવા ગુનામાંથી મેળવેલ કુલ લાભ અથવા નુકસાનના બમણા, બેમાંથી જે વધારે હોય તે દંડ તરીકે ચૂકવવાને સજાને પાત્ર છે. રાજુને આ વર્ષે 16 મેના રોજ સજા જાહેર કરવામાં આવશે.