અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા થઈ છે. સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન શહેરમાં મોટેલ ચલાવતાં 67 વર્ષીય જગદીશભાઈ પટેલ પર 25 જૂને અશ્વેત યુવકે ફાયરિંગ કર્યું હતું. મોટેલમાં ભાડા માટે કથિત બોલાચાલી થયા બાદ અશ્વેત યુવકે પોતાના પાસે રહેલી ગન વડે જગદીશભાઈ પટેલને માથા તેમજ પેટના ભાગે ગોળીઓ ધરબી દીધી હતી. ઘાયલ જગદીશભાઇને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ 30 જૂને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
નોર્થ ચાર્લ્સસ્ટન પોલીસે જણાવ્યું હતું કે મોટેલમાં શૂટિંગનો ભોગ બનેલા વ્યક્તિનું મોત થયું છે. ડાર્નેલ ડ્વેની બ્રાઉન (34) સામે હત્યાના પ્રયાસની જગ્યાએ હત્યાના આરોપ લાગુ પડશે. બ્રાઉન સામે હથિયાર રાખવાનો પણ ગુનો લાગુ પડશે. ચાર્લ્સ્ટન કાઉન્ટીના કોરોનર બોબી જો ઓનીલે મૃતકની જગદીશભાઇ પટેલ (67) તરીકે ઓળખ કરી હતી. તેઓ નોર્થ ચાર્લ્સ્ટનના રહેવાસી હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર જગદીશભાઈ પટેલ મૂળ સુરતના સચિન વિસ્તારમાં આવેલાં લાજપોર પોપડા ગામના વતની છે અને તેમનો પરિવાર 2007થી અમેરિકામાં સ્થાયી થયેલો છે. અમેરિકાના સ્ટેટ સાઉથ કેરોલિનાના ત્રીજા સૌથી મોટા શહેર નોર્થ ચાર્લ્સટનમાં રિવર્સ એવન્યૂ પાસે ધ ચાર્લ્સટન હાઈટ્સ નામની મોટેલનો વ્યવસાય ચલાવતા હતા. રિપોર્ટ્સ અનુસાર 25 જૂનના રોજ, જ્યારે જગદીશ પટેલ પોતાની ઓફિસમાં બેઠા હતા, ત્યારે આરોપી ડાર્નેલે તેમની ઓફિસમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે ભાડા બાબતે બોલાચાલી થઈ હતી. ડાર્નેલ છેલ્લા બે દિવસથી મોટેલમાં રોકાયો હતો, પણ ભાડુ આપતો ન હતો.
પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આ મામલે 34 વર્ષીય ડાર્નેલ ડ્વેયન બ્રાઉનની ધરપકડ કરી હતી. જગદીશ પટેલના પુત્ર અને વહુ શિકાગોમાં ડૉક્ટર છે. જગદીશ પટેલની હત્યાના સમાચારથી તેમના વતન પોપડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.