અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બીજી ટર્મ માટે ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરતાની સાથે રાજકારણીઓ અને સાઉથ એશિયનો સહિતના જૂથો સક્રિય થઈ ગયા છે.
બાઇડેન હાલમાં 80 વર્ષના અને અમેરિકાના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ છે. તેમને બીજી ટર્મ મળે તો તે પૂરી થશે ત્યારે તે 86 વર્ષના હશે. તેમની ઉંમરના લીધે ડેમોક્રેટિક વોટરોમાં આમ પણ તેમની યોગ્યતા બાબતે ઘણા સવાલ છે. પરંતુ તેમણે બીજી ટર્મ માટે ઊભા રહેવાનું નક્કી કર્યું છે તો તેઓ ચોક્કસપણે તેમને મત આપશે.
AAPI વિક્ટરી ફંડના ચેરમેન અને સ્થાપક શેખર નરસિંહમને ટ્વીટ કર્યુ હતું કે અમેરિકાની વસ્તીનો 40 ટકાથી વધુ હિસ્સો 60થી વધુ વયના લોકોનો છે. તેઓ ક્રાંતિકારી તબીબી સગવડોનો લાભ ઉઠાવી લાંબુ જીવન માણી રહ્યા છે. આ ઉપરાંત 92 વર્ષના વોરેન બફેટ અને 99 વર્ષના ચાર્લી મુંગેર તથા 67 વર્ષના બિલ ગેટ્સ આપણા આદર્શ છે. તેથી હું પણ 2024 માટે બાઇડેન-હેરિસને સમર્થન આપું છું.
કેલિફોર્નિયાના લોકપ્રિય ગવર્નર ગેવિન ન્યૂસોમે આ પ્રસંગનો ઉપયોગ કરીને બાઇડેનના કેમ્પેઇન માટે નાણા ઊભા કરવાનું શરૂ કરી દીધુ હતુ. ટ્રમ્પ અને ડીસેન્ટિસ જેવા રીપબ્લિકનો પ્રેસિડેન્સિયલ રેસ માટે ભંડોળ ઊભું કરવામાં આગળ છે. તેથી આ મોરચે રાષ્ટ્રપતિ બાઇડેને સ્પીડ પકડવાની જરૂર છે.
બાઇડેને પોતાને લોકશાહીના સંરક્ષક ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે આ વખતે હવે સવાલ એ છે કે આપણને વધુ સ્વતંત્રતા જોઈએ છે કે ઓછી, વધારે અધિકારો જોઈએ છે કે ઓછા, એમ તેમણે વિડીયો જાહેરાતમાં જણાવ્યું હતું. હું જાણું છું કે મારે આનો જવાબ આપવાનો છે. આત્મસંતુષ્ટ થઈને બેસી રહેવું પાલવે નહી. તેથી જ મેં ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવાનો નિર્ણય લીધો છે. ન્યૂસોમે જણાવ્યું હતું કે આ પગલું બધા માટે હકારાત્મક છે. તેના લીધે સંઘર્ષ કરી રહેલા ડેમોક્રેટ્સને રીપબ્લિકનોના કટ્ટરવાદ અને અંતિમવાદ સામે લોકશાહી બચાવવામાં મદદ મળશે. રીપબ્લિકનો મુક્ત સમાજના પાયા પર પદ્ધતિસર ધોરણે પ્રહાર કરી રહ્યા છે ત્યારે તેની સામે સમાજને બચાવવો જરૂરી છે. અમેરિકાના સાઉથ એશિયનોએ પણ બાઇડેન માટે ભંડોળ ઊભું કરવાની જાહેરાત કરી હતી.
નેશનલ ડાયરેક્ટર નેહા દીવાને જણાવ્યું હતું કે ઐતિહાસિક અને પરિવર્તનકારી પ્રથમ ટર્મ પછી અમે 2024ની તૈયારી માટે નવા ડેમોક્રેટિક પ્રેસિડેન્સિયલ કેલેન્ડર પર વ્યૂહાત્મક રીતે મીટ માંડી રહ્યા છીએ. અમે ચાવીરૂપ રાજ્યોમાં ગ્રાસરુટ સ્તરે રોકાણ કરીશું.