દક્ષિણ આફ્રિકામાં કારનું ટાયર ફાટતાં થયેલા અકસ્માતમાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોનો મોત થયા હતા અને બે વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. આ પરિવાર ભરુચ જિલ્લાનો હતો. કારમાં 10 મુસાફરો સવાર હતા જેઓ જોહાનિસબર્ગ એરપોર્ટથી વેંડા જઈ રહ્યા હતા આ દરમિયાન રાત્રે પીટર્સબર્ગમાં દુર્ઘટના થઈ હતી. પોલીસે આ કેસની તપાસ ચાલુ કરી હતી.
હાઈવે પર કાર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી ત્યારે ટાયર ફાટ્યું હતું. તેનાથી ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર હવામાં પર ફંગોળાઈ હતી. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા 7 લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 5ને સામાન્ય ઈજા થઈ હતી. બે વ્યક્તિની હાલત ગંભીર હોવાના અહેવાલ હતા. આ દુર્ઘટના અંગે ભરુચમાં રહેતા પરિવારના સભ્યોને જાણ થતાં શોકનો માહોલ છવાયો હતો. મૃતકો તથા ઘાયલોને ગુજરાત લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.