સાઉથ આફ્રિકાના ઝામ્બિયામાં કાબવે સિટીમાં ગ્રોસરી શોપ ચલાવતા ભરુચના બે સગા પર ફાયરિંગની ઘટનામાં એક ભાઇનું મોત થયું હતું અને બીજા ભાઇને ઇજા થઈ હતી. ફાયરિંગ લૂંટના ઈરાદે કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ભરૂચમાં પરિવારને ઘટના અંગે માહિતી મળતા ભારે શોકનો માહોલ છવાયો હતો, એમ સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
મીડિયા અહેવાલ મુજબ આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રહે છે. ગ્રોસરી શોપ ચલાવતા બે ભાઇઓ રાતે ઘરે સુતા હતા, ત્યારે કથિત નીગ્રો લુંટારાઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા. રાત્રે 3થી 4 વાગ્યે લૂંટારાઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી ગયા હતા. તેઓ તપાસ કરતાં અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાનું ઘટનાસ્થળે મોત થયું હતું. ભાઈની મદદે અજમદ આવી પહોંચતા તેમને પણ ગોળી મારવામાં આવી હતી, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.