ભારતીય ક્રિકેટના લીજેન્ડરી ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રણબીર કપૂરનો લીડ રોલ હોવાના રીપોર્ટ્સ આવ્યા હતા. જોકે, સૌરવ ગાંગુલીની બાયોપિક પોતાને ઓફર ન થઈ હોવાનું રણબીરે સ્પષ્ટતા કરી છે. કોલકાતામાં અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મૈં મક્કાર’ના પ્રમોશન માટે આવેલા રણબીર કપૂરે સરપ્રાઈઝ આપતાં જણાવ્યું હતું કે, પ્રખ્યાત સિંગર કિશોર કુમારની બાયોપિકમાં તે લીડ રોલ કરી રહ્યા છે.
રણબીર કપૂરે ત્યાં સૌરવ ગાંગુલીની સાથે મુલાકાત કરી હતી અને ક્રિકેટ પણ રમ્યો હતો. ઓનલાઈન શેર કરેલા વીડિયોમાં રણબીરે જણાવ્યું હતું કે, સૌરવ ગાંગુલી માત્ર દેશના નહીં, સમગ્ર વિશ્વના લીજેન્ડ છે. તેમની બાયોપિક અત્યંત ખાસ હશે. જોકે, મને આ ફિલ્મ ઓફર થઈ નથી. કદાચ ફિલ્મ મેકર્સ હજુ સ્ક્રિપ્ટ લખી રહ્યા હશે.
કિશોર કુમારની બાયોપિક પર પોતે 11 વર્ષથી કામ કરી રહ્યા હોવાનું રણબીરે કહ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે, અનુરાગ બાસુ સાથે સ્ક્રિપ્ટ લખતા હતા અને કદાચ નેક્સ્ટ બાયોપિક આ જ હશે. જોકે, દાદા (સૌરવ ગાંગુલી)ની બાયોપિક વિશે હજુ કશું સાંભળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી અને રણબીર કપૂર કોલકાતાના ઈડન ગાર્ડનમાં ક્રિકેટ રમ્યા હતા અને તેના ફોટો-વીડિયો વાઈરલ થયા હતા. રણબીરના ટી શર્ટ પર ‘રણબીર્સ મક્કાર ઈલેવન અને ગાંગુલના ટી શર્ટ પર દાદાસ જૂઠી ઈલેવન લખેલું હતું.