યૂન સુક-યેઓલ સાઉથ કોરિયાના નવા પ્રેસિડન્ટ તરીકે ચુંટાઈ આવ્યા છે. જબરજસ્ત ચૂંટણી પ્રચાર બાદ ભૂતપૂર્વ સરકારી પ્રોસેક્યુર યૂનને ગુરુવારે સવારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ રાજકારણમાં નવા છે અને ક્યારેય ચૂંટણી લડ્યા ન હતા.
સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના હરીફ લી જે-મિયાંગે હારનો સ્વીકાર કર્યો હતો. દેશની નેશનલ એસેમ્બલીમાં પોતાના સમર્થકોને યૂને જણાવ્યું હતું કે આ સાઉથ કોરિયાના મહાન લોકોનો વિજય છે. ચૂંટણીમાં આશરે 77.1 ટકા મતદાન થયું હતું. બંને પક્ષોની વિચારસરણીમાં આભ-જમીનનું અંતર છે. તેથી યૂનના વિજયથી સાઉથ કોરિયામાં વધુ આક્રમક, નાણાકીય રીતે રૂઢિવાદી સરકારનો યુગ ચાલુ થશે. ચૂંટણીમાં હારેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ મૂન ઉદારવાદી વિચારસરણી ધરાવતા હતા.
રાજકીય સમીક્ષકોએ જણાવ્યું હતું કે આ ચૂંટણીના પરિણામથી બદલાનું રાજકારણનો નવો દોર ચાલુ થવાની ધારણા છે. સાઉથ કોરિયામાં નવા પ્રેસિડન્ટ સત્તા પર આવ્યા બાદ ભૂતપૂર્વ નેતાઓ સામાન્ય રીતે જેલભેગા થાય છે. ચૂંટણીપ્રચાર દરમિયાન યૂને પણ ગેરરીતિનો આક્ષેપ કરીને પ્રેસિડન્ટ મૂન સામે તપાસ ચાલુ કરવાની ચીમકી આપી હતી.