1900ના દાયકામાં બ્રિટનમાં મહિલાઓના મત આપવાના અધિકાર માટે લડનારા અગ્રણી સફરગેટ, શીખ સામ્રાજ્યના છેલ્લા શાસક મહારાજા દુલીપ સિંહની પુત્રી અને રાણી વિક્ટોરિયાની ધર્મપુત્રી સોફિયા દુલીપ સિંહને લંડનમાં આવેલા ઘર પર સ્મારક બ્લુ પ્લેક લગાવી સન્માનિત કરવામાં આવનાર છે.
આ નવી તકતી હેમ્પટન કોર્ટ પેલેસ પાસેના મોટા ઘરને ચિહ્નિત કરશે જે સોફિયા અને તેની બહેનોને 1896માં રાણી વિક્ટોરિયા દ્વારા ગ્રેસ અને ફેવર એપાર્ટમેન્ટ તરીકે આપવામાં આવ્યું હતું.
પ્રિન્સેસ સોફિયા ઈંગ્લિશ હેરિટેજ ચેરિટી દ્વારા ચલાવવામાં આવતી બ્લુ પ્લેક સ્કીમ, ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંકળાયેલી ચોક્કસ ઈમારતોના ઐતિહાસિક મહત્વને સન્માન આપે છે. સોફીયાના હોલેન્ડ પાર્ક (લંડન)ના ઘર પર પહેલા તકતી લગાવાઇ ચૂકી છે. સ્ત્રી મતાધિકાર માટે સમર્થન પેદા કરવા માટે તેણીએ પોતાની શાહી પદવીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો. તેઓ વિમેન્સ સોસ્યલ એન્ડ પોલિટીકલ યુનિયન (WSPU) અને વિમેન્સ ટેક્સ રેઝિસ્ટન્સ લીગ (WTRL)ના સમર્પિત સભ્ય હતા.
ગયા વર્ષે, ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે 19મી સદીના અંતના બ્રિટનના પ્રથમ ભારતીય સંસદસભ્ય દાદાભાઈ નવરોજજી લગભગ આઠ વર્ષ સુધી રહ્યા હતા તે વોશિંગ્ટન હાઉસ, 72 એનર્લી પાર્ક, પીંજ, બ્રોમલીના ઘર પર બ્લુ પ્લેક લગાવાઇ હતી. તે તકતી પર લખાયું છે કે “દાદાભાઈ નવરોજજી 1825-1917 – ભારતીય રાષ્ટ્રવાદી અને સાંસદ અહીં રહેતા હતા”.