પરપ્રાંતીય મજૂરો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારી, સફાઇ કર્મચારીઓ, સર્કસના કર્મચારીઓ અને દર્દીઓને મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ સોનુ સૂદ ભારતના લાખો યુવાનો માટે પ્રેરણામૂર્તિ તરીકે સ્થાપિત થઇ ગયો છે. સોનુ સૂદની લોકપ્રિયતાને કારણે તેને ભારતીય ચૂંટણી પંચે સ્ટેટ આઈકોન ઓફ પંજાબ જાહેર કર્યો છે. ફિલ્મોમાં બીજી હરોળની ભૂમિકા ભજવનાર સોનુ સૂદે અંગત જીવનમાં બોલીવૂડના મોખરાના કલાકારોને પાછળ રાખ્યા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાની વાત કરીએ તો ટ્વીટર પર સોનુ સૂદે શાહરૂખ અને અક્ષય કુમારને પાછળ રાખ્યા છે. કોરોનાકાળમાં જરૂરિયાતમંદો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરનારા સોનુ સૂદના સેવા કાર્યોએ તેને સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે.
ટ્વિટીટ નામની સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ દ્વારા ઓક્ટોબર મહિનાનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં રાજકારણ, પત્રકારત્વ, બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ, સ્પોર્ટ્સ, ફિલ્મ, લેખન, આર્ટ અને કોમેડી જેવી કેટેગરીને આવરી લેવાઈ છે. આ લિસ્ટમાં પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, કોંગ્રેસના રાહુલ ગાંધી બીજા અને ક્રિકેટર વિરાટ કોહલી ત્રીજા નંબરે છે, પછી ચોથો નંબર સોનુ સૂદનો આવે છે. બોલિવૂડ લિસ્ટમાં સોનુ સૂદ ટોપ પર છે. તેની પાસે 2.4 મિલિયન ટ્વિટર એન્ગેજમેન્ટ્સ છે.
ત્રણ ખાન – આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારનો નંબર સોનુ પછી આવે છે. સોનુ સૂદના રીલિફ વર્કને તેના ફેન્સ, એક્ટર્સ અને પોલિટિશિયન્સ દ્વારા એપ્રીશિએટ કરાયું છે. જરૂરિયાતમંદોને સહાયમાં દયાળુ સાબિત થઈ રહેલા સોનુની ઓટોબાયોગ્રાફી આગામી સમયમાં લોન્ચ થવાની છે, જેનું ટાઈટલ છે – આઈ એમ નો મસિહા.