કોરોના મહામારી સમયે લોકોની મદદ માટે આગળ આવીને સોનુ સૂદે અન્ય કલાકારો અને સેલિબ્રિટી માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગભગ એક વર્ષ પછી, સોનુની નવી ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ચિરંજીવી અને તેમના પુત્ર રામચરણ સ્ટારર ફિલ્મ ‘આચાર્ય’માં સોનુ વિલનની ભૂમિકામાં છે. એક ઈન્ટરવ્યુમાં સોનુએ સ્વીકાર્યું હતું કે, લોકો મને હવે નેગેટીવ રોલમાં જોવા નથી માંગતા અને પ્રોડ્યુસર્સ પણ મને આવા રોલ માટે ઓફર કરતા પહેલા વિચારી રહ્યા હતા છે કે, જો સોનુ તેમની ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવશે તો દર્શકોનો પ્રતિભાવ કેવો રહેશે?
આ વિશે વધુ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, કોરોના બાદ દર્શકો માટે મને નેગેટીવ રોલમાં જોવો અઘરો હશે. ઘણા નિર્માતા, દિગ્દર્શકો અને લેખકો આ અંગે અનેકવાર ચર્ચા કરી ચૂક્યા છે કે, મને નકારાત્મક ભૂમિકા ન આપવી જોઇએ. કોરોના મહામારી બાદ, આચાર્યના સેટ પર પણ મેં મારા પાત્ર અંગે અનેક પરિવર્તન જોયા છે અને મારા અનેક સીન ફરીથી શૂટ કરવા પડ્યા હતા.
લોકડાઉન અને તે પછી પણ લોકોની મદદ માટે સતત પ્રયત્નશીલ રહેનાર એક્ટરે જણાવ્યું હતું કે, કોવિડ પહેલા મેં બે ફિલ્મનું શૂટીંગ શરુ કર્યું હતું પરંતુ પછી, બંને ફિલ્મના સર્જકોએ અનેક એક્શન સીન્સ પર ફરી કામ કરવું પડ્યું હતું. ચિરંજવી સરની વાત કરું તો, તેઓ પણ દ્વિધામાં હતા કે, જો સ્ક્રીન પર તેઓ મને મારતા દેખાશે તો શું દર્શકો તેને સ્વીકારશે? છેલ્લા કેટલાક સમયથી જે પણ ઓફર મારી પાસે આવી રહી છે, તે બધામાં મને પોઝિટિવ રોલ ઓફર થયો છે.